પાટણ : પાટણ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં પૂરતા પ્રમાણમાં વર્ગખંડો ન હોવાને કારણે વિદ્યાર્થીઓને ખુલ્લામાં બહાર બેસીને અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં કુલ 179 ઓરડાઓ ખોટ સામે આવી છે. વર્ગખંડોની જ અછત હોય ત્યારે સ્વાભાવિક જ બાળકોને સારા શિક્ષણ માટેની બુનિયાદી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રાથમિક શાળાઓમાં 179 વર્ગખંડોની ઘટ કેવી રીતે નિવારવી તે વિચારણીય છે.
શિક્ષણની દયનીય સ્થિતિ : પાટણ જિલ્લામાં કથળેલા શિક્ષણની દયનીય સ્થિતિ બહાર આવી છે. પાટણ જિલ્લામાં કુલ 179 વર્ગખંડોની ઘટ છે. ત્યારે બાળકો ખુલ્લી જગ્યામાં અભ્યાસ કરતા જોવા મળે છે. પાટણ જિલ્લામાં 801 સરકારી ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓ છે અને પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 8 માં 1,52,535 બાળકો અભ્યાસ કરે છે. જ્યાં અભ્યાસ કરતા બાળકો માટે માળખાગત સુવિધાઓમાં પ્રથમ કહી શકાય એવા વર્ગખંડોની ઘટ છે. કેટલીક શાળાઓમાં શૌચાલયો, પાણીની ટાંકી, કે રમતના મેદાન નથી.
કયા તાલુકામાં કેટલા વર્ગખંડોની ઘટ : કુલ 179 ઓરડાઓની ઘટમાં વિગતે જોઇએ તો ચાણસ્માની 6 સ્કૂલમાં 34 વર્ગખંડો, પાટણ તાલુકાની 10 સ્કૂલોમાં 37 વર્ગખંડો, સરસ્વતી તાલુકાની 3 સ્કૂલમાં 16, હારીજ તાલુકાની 7 સ્કૂલમાં 26 વર્ગખંડો, શંખેશ્વરની 8 સ્કૂલમાં 18 વર્ગખંડો, સમી તાલુકાની 8 સ્કૂલોમાં 25 વર્ગખંડો, અને સિદ્ધપુર તાલુકાની 9 સ્કૂલમાં 24 વર્ગખંડોની ઘટ હોવાનું સામે આવ્યું છે.
આટલી શાળાઓમાં વર્ગખંડોની સમસ્યા : શાળાઓમાં 1,52535 બાળકો કરે છે અભ્યાસ બીજી બાજુ જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોની સંખ્યાની વાત કરીએ તો ચાણસ્માની 78 શાળામાં 11071 બાળકો, હારીજની 70 શાળાઓમાં 11947 બાળકો, પાટણની 102 શાળામાં 19,441 વિદ્યાથીઓ, રાધનપુરની 100 શાળામાં 1929, સમીની 81 શાળામાં 14128, બાળકો સાંતલપુરની 93 સ્કૂલોમાં 20351, સરસ્વતી તાલુકાની 149 શાળામાં 26374 અને શંખેશ્વરની 44 શાળામાં 8345 તથા સિદ્ધપુરની 84 સ્કૂલોમાં 21578 બાળકો ભણી રહ્યાં છે. તો બીજીતરફ ઓછા વર્ગખંડના કારણે બાળકોના શિક્ષણકાર્યમાં ઘણી પરેશાનીઓ શિક્ષકોએ પણ કરવો પડે છે.
આ પણ વાંચો Patan News: સિધ્ધપુરના કદમ આશ્રમમાં નેપાળ નરેશે આપેલો ઘંટ કરે છે ઓમકારનો નાદ
શિક્ષણવિભાગની ઉદાસીનતા : પાટણ જિલ્લા પંચાયતમાં વિપક્ષ નેતા અશ્વિન પટેલે આ મુદ્દે જણાવ્યું હતું કે પાટણ જિલ્લાની પ્રાથમિક શિક્ષણ વિભાગની કચેરીની આ ઘોર બેદરકારી છે. શિક્ષણવિભાગની ઉદાસીનતાને પણ જવાબદાર ઠરાવતાં તેમણે કહ્યુંં કે પ્રાથમિક શાળાઓમાં 179 વર્ગખંડોની ઘટ છે ત્યારે વિદ્યાર્થીઓને ઠંડી, ગરમી અને ચોમાસાની ઋતુમાં પણ ખુલ્લામાં બેસીને શિક્ષણ પ્રાપ્ત કરવું પડી રહ્યું છે. એક બાજુ સરકાર મફત શિક્ષણ અને સસ્તા શિક્ષણની વાતો કરે છે, પરંતુ પાટણની વાસ્તવિક પરિસ્થિતિ પ્રાથમિક શાળાઓ ઉપરથી સમજી શકાય તેમ છે.
સરકાર દરખાસ્ત મંજૂરી આપે તો નવા બંધાશે વર્ગખંડ : નવા વર્ગખંડો માટે દરખાસ્ત કરવા બાબતે જ્યારે પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી એન એન રાવલ સાથેે ટેલીફોનિક વાતચીત કરવામાં આવી તો તેમણે જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં વર્ગખંડોની ઘટ બાબતે જણાવ્યું કે પાટણ જિલ્લામાં 179 પ્રાથમિક શાળાઓમાં ઓરડાની ઘટ છે તે પૂરી કરવા માટેે પ્રાથમિક શિક્ષણ વિભાગની કચેરી દ્વારા સરકાર સમક્ષ મંજૂરી માટેની દરખાસ્ત મોકલી આપવામાં આવી છે. જો સરકારમાંથી દરખાસ્ત મંજૂર થઈ જશે તે તે બાદ ટેન્ડરિંગ વગેરેની વહીવટી પ્રક્રિયા કરી નવા વર્ગખંડ બાંધવાની કામગીરી કરવામાં આવશે.