પાટણ: કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા અમલી લોકડાઉનના પૂર્ણ થયેલા ચાર તબક્કા બાદ અનલોક 1 અંતર્ગત વિવિધ નિયંત્રણો સાથે મોટા ભાગની સેવાઓ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત પાટણ સહાયક વાહન વ્યવહાર કચેરી ગુરુવારથી પુનઃ શરૂ કરવામાં આવી છે. એપોઇન્ટમેન્ટ લઈને આવનાર અરજદારોનુ સ્ક્રિનિંગ કરી સેનેટાઇઝ કર્યા બાદ કચેરીમાં પ્રવેશ આપવામાં આવે છે.
જ્યારે તારીખ 4 /6 /2020 કે ત્યારબાદ ની એપોઇન્ટમેન્ટ ધરાવનાર અરજદારોએ ફરીથી એપોઇન્મેન્ટ લેવાની રહેશે નહીં. જે અરજદારોના લર્નિંગ લાઇસન્સની મર્યાદા 21/ 3/ 2020 થી 31 /7 /2020 વચ્ચે પૂર્ણ થઇ હોય તેવા અરજદારો 31/ 7 /2020 સુધી ડ્રાઈવિંગ ટેસ્ટ આપી શકશે જેના માટે વધારાની કોઈ ફી ભરવાની રહેશે નહીં.
કોરોના મહામારીને ધ્યાને લઇ આરટીઓ કચેરી ખાતે કારણ વગર ભીડ ન કરવા અને પૂછપરછ માટે કચેરીના ટેલીફોન નંબર ઉપર સંપર્ક કરવા તેમજ ઇન્કવાયરી વિન્ડોનો લાભ લેવા અરજદારોને અનુરોધ કરવામાં આવ્યો છે