પાટણ: રાધનપુર ભાજપના ધારાસભ્ય અને તેમના સાગ્રતો પર વેપારીએ પૈસાની માંગણીના ગંભીર આક્ષેપો કરી પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલ અને દેશના વડાપ્રધાન સહિતના ભાજપના ટોચના નેતાઓને પત્ર લખતા રાધનપુરના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. બીજી તરફ ધારાસભ્ય લવિંગજી ઠાકોરે પોતાના પર લગાવવામાં આવેલ આક્ષેપો પાયા વિહોણા ગણાવ્યા છે. હાલ તો ધારાસભ્ય ઉપર થયેલ આક્ષેપનો મુદ્દો રાધનપુરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.
ધારાસભ્ય પર આક્ષેપ: રાધનપુર ખાતે મસાલી રોડ ઉપર આવેલ સરસ્વતી સોસાયટીમાં રહેતા અને વેપાર ધંધો કરતા ઠક્કર મનોજ નટવરલાલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલ રત્નાગરજી રાજ્યના મુખ્યપ્રધાન સહિત ભાજપના ટોચના નેતાઓને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે રાધનપુર ભાજપના ધારાસભ્ય લવિંગજી સોલંકી ઠાકોર અને તેમના સાગ્રતો સુરેશભાઈ ઠાકોર રામાભાઇ આહીર અને નરસિંહભાઈ ઠાકોર વેપારી વર્ગને ધમકાવી પૈસાની માંગણી કરી હેરાનગતિ કરી રહ્યા છે. વેપારીની માલિકીની જમીનમાં પણ ખોટા ડખા ઉભા કરી નાણાકીય રકમો માંગી રહ્યા છે. પાર્ટી દ્વારા યોગ્ય તપાસ કરી ધારાસભ્ય અને તેમના સગીતો સામે પગલાં લેવામાં આવે તેવી માંગ કરતો પત્ર લખતા રાધનપુરના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
'જમીન બાબતે વ્યાપારી અને દેવીપૂજક સમાજના એક પરિવાર વચ્ચે તણાવ થયેલી છે. જે બાબતે દેવીપુજક સમાજના કેટલાક આગેવાનો મારી પાસે જમીન બાબતે રજૂઆત માટે આવ્યા હતા. જેથી મેં જવાબદાર પોલીસને જે સાચું હોય તે રીતે યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું. મારા પર આક્ષેપ કરનાર વ્યાપારી મનોજ ઠક્કરને હું ઓળખતો પણ નથી મારી ઉપર લગાવવામાં આવેલા આક્ષેપો ખોટા અને પાયા વિહોણા છે હું જમીન લે-વેચના ધંધામાં ક્યારેય પડતો નથી.' -લવિંગજી ઠાકોર, ધારાસભ્ય, રાધનપુર
લવિંગજી ઠાકોર ફરી એકવાર વિવાદમાં: ગત વિધાનસભાની ચૂંટણી પહેલા લવિંગજી ઠાકોર કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા અને અલ્પેશ ઠાકોર સામે ટિકિટ મેળવવા મોરચો માંડ્યો હતો. અંતે તેઓને ટિકિટ ફાળવવામાં આવી હતી. એ વખતે પણ તેઓ વિવાદમાં રહ્યા હતા. ત્યારબાદ છેલ્લા કેટલાક સમયથી વિવાદોમાં ઘેરાયેલા રહેતા ધારાસભ્ય લવિંગજી ઠાકોર ફરી એકવાર વિવાદમાં આવ્યા છે.