પાટણમાં છેલ્લા 31 વર્ષથી રામનવમી નિમિત્તે ભગવાન રામની શોભાયાત્રા કાઢવામાં આવે છે. આ વર્ષે પણ 32મી શોભયાત્રાના પ્રસંગે ભાવિક શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જેમાં સાધુ-સંતો, રાજકીય આગેવાનો, નગરના આગેવાનો પણ જોડાયા હતા. પાટણના ગામ રામજી મંદિરેથી પરંપરાગત રીતે ભવ્ય શોભાયાત્રાએ પ્રસ્થાન કર્યું હતું.
ભાજપના પાટણ લોકસભા સીટના ઉમેદવાર ભરતસિંહ ડાભી અને કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ઠાકોર પણ શોભાયાત્રામાં જોડાયા હતા. તેમણે રથ ખેંચી ભગવાન રામના આશીર્વાદ લીધા હતા. શોભાયાત્રામાં વિવિધ પ્રકારની 60 જેટલી ઝાંખીઓ પણ વિવિધ સેવાકીય ધાર્મિક સંસ્થાઓ દ્વારા યોજવામાં આવી હતી, જે આકર્ષણનું કેન્દ્ર બની હતી. શોભાયાત્રાના માર્ગો પર શ્રદ્ધાળુઓ માટે પાણી, છાશ અને શરબતના કેમ્પ ઉભા કરવામાં આવ્યા હતા.