રાધનપુરની મધ્યમાં આવેલી રેફરલ હોસ્પિટલ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના આરોગ્ય માટે આશિર્વાદ રૂપ હતી. પણ છેલ્લા ઘણાં સમયથી આ હોસ્પિટલમાં તબીબો તેમજ આરોગ્યલક્ષી મોટા પ્રકારની સેવાઓ છીનવાતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ભારે હાલકીઓ વેઠવી પડે છે, ત્યારે રાધનપુરની સિવિલમાં દર્દીઓને આરોગ્યલક્ષી તમામ સુવિધાઓ નિષ્ણાંત તબીબી સાથે મળી રહે તે માટે રાધનપુર કોંગ્રેસ દ્વારા દર સોમવારે સિવિલ બચાવ અભિયાન શરૂ કર્યું છે.
બીજા સોમવારે કોંગ્રેસ આગેવાનો કાર્યકરોએ સિવિલ હોસ્પિટલ આગળ એકત્ર થઈ સદબુદ્ધિ યજ્ઞ કર્યો હતો. જોકે યજ્ઞની પૂર્ણાહુતિ પહેલા જ પોલીસે રાધનપુર કોંગ્રેસ પ્રભારી લાલેશ ઠક્કર તેમજ કાર્યકરોની અટકાયત કરી હતી. પોલીસની આવી કામગીરીને લઇ કોંગ્રેસ કાર્યકરોમાં રોષ જોવો મળ્યો હતો.