રાધનપુરઃ અમીરપુરા વિસ્તારમાં મુશળધાર વરસાદ ખાબક્યો હતો. આ વિસ્તાર પાણીમાં ગરકાવ બની ગયો હતો. અમીરપુરાના અનેક સ્થળોમાં ભરાયેલા પાણી ઉતરી ગયા છે પરંતુ થુંબડી પરા હજુ પણ પાણીમાં ગરકાવ છે. થુંબડી પરામાં કેડ સમા પાણી ભરાયેલા છે. જેનાથી અહીં વસવાટ કરતા 30થી પરિવારોના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોએ વારંવાર તંત્ર, આગેવાનો અને સરકારને રજૂઆતો કરી છે, પણ આ વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યાનો કાયમી ઉકેલ આવતો નથી. દર વર્ષે ચોમાસા બાદ થુંબડી પરા એક ટાપુમાં ફેરવાઈ જાય છે.
રોગચાળાની ભીતીઃ થુંબડી પરામાં ભરાયેલું પાણી સ્થાનિકોમાં રોગચાળો નોંતરશે. સ્થાનિકો કેડ સમા પાણીમાંથી અવર જવર કરે છે. આ પાણીમાં મચ્છરોના બ્રિડિંગ જોવા મળે છે તેમજ ઝેરી જીવ જંતુ હોવાની પણ સંભાવના રહેલી છે. આ પાણીમાંથી સતત દુર્ગંધ મારતી રહે છે.જેનાથી સ્થાનિકોની તબિયત પર વિપરિત અસર પડી રહી છે. આ વિસ્તારમાં ભરાયેલા પાણીને પરિણામે રોગચાળો ફાટી નીકળવાની શક્યતાઓ વર્તાઈ રહી છે.
કેડ સમા પાણીને લીધે આર્થિક નુકસાનઃ થુંબડી પરાના સ્થાનિકો રોજિંદા કાર્યો માટે કેડ સમા પાણી ચીરીને અવર જવર કરી રહ્યા છે. જીવન જરુરિયાત ચીજ વસ્તુઓ અને રોજગાર માટે સ્થાનિકો કેડ સમા પાણીને ચાલીને પાર કરે છે. જેમાં અકસ્માત, પગે કાચ વાગી જવો તેમજ અન્ય ઈજા થઈ શકે તેમ છે. ઘરવખરી સંપૂર્ણ પણે પાણીમાં ગરકાવ હોવાથી બગડી ગઈ છે. ઘરની બહાર ઢોર બાંધવામાં પણ પશુપાલકોને તકલીફ પડી રહી છે. પરિણામે આ ભરાયેલા પાણીને લીધે સ્થાનિકોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
વરસાદી પાણી ઘરોમાં ઘુસી જવાને કારણે ઘરવખરી પલળી ગઈ છે. અમારી હાલત કફોડી થઈ ગઈ છે. ચૂંટણી સમયે રાજકીય આગેવાનો મત માંગવા આવે છે, પણ પાણી ભરાવાની આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવતા નથી...મંગુબેન (સ્થાનિક, થુંબડી પરા, રાધનપુર)
આ વિસ્તારની નજીક આર એન્ડ બી દ્વારા રોડ બનાવવામાં આવ્યો છે જે થોડો ઊંચો હોવાને કારણે અહીં વરસાદી પાણી ભરાય છે. જિલ્લામાં પાછોતરો વરસાદ નોંધાયો છે. તેમાં સૌથી વધુ વરસાદ રાધનપુર તાલુકામાં નોંધાયો છે. ભારે વરસાદને કારણે પણ પાણી ભરાયું છે. પરા વિસ્તારમાંથી પાણીના કાયમી નિકાલ માટે એક્ઝિક્યૂટિવ એન્જિનિયરને સર્વે માટે મોકલવામાં આવ્યા છે...નિર્ભય ગોંડલિયા (પ્રાંત અધિકારી, રાધનપુર)
નેતાઓની ઠાલી હૈયાધારણઃ દર વખતે ચૂંટણી સમયે નેતાઓ મત માંગવા આવે ત્યારે પાણી ભરાવાની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવીશું તેવા વચનો આપે છે. એકવાર મતદાન થઈ ગયા પછી અહીં કોઈ જોવા પણ આવતું નથી અને સમસ્યાનું કાયમી નિરાકરણ પણ થતું નથી. દર વર્ષે ચોમાસામાં થુંબડી પરામાં પાણી ભરાઈ જાય છે અને પરૂ બેટ વિસ્તારમાં ફેરવાઈ જાય છે.