- 10 મહિનાથી બંધ પડેલા વર્ગખંડો ખુલ્યા
- શાળાના સંચાલકોએ સફાઈ અને સેનેટાઈઝરની કામગીરી હાથ ધરી
- સોશિયલ ડીસ્ટન્સ જળવાઈ રહે તે માટે બેંચો ઉપર કર્યા નિશાન
- એક વર્ગખંડમાં 50 ટકા વિદ્યાર્થીઓને બેસાડવામાં આવશે
પાટણ : રાજ્ય સરકાર દ્વારા 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12નું શૈક્ષણિક કાર્ય શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેને પગલે પાટણ શહેરમાં છેલ્લા 10 મહિનાથી બંધ રહેલા વર્ગખંડો ફરી શરુ કરવા શાળાના સંચાલકો દ્વારા સાફ-સફાઈ સેનેટાઈઝરની કામગીરી હાથ ધરવામાં આવી છે.
શાળાઓમાં અભ્યાસ શરૂ થતા વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય સુધરશે
પાટણ જિલ્લા શિક્ષણ અધિકારીએ સરકારની સુચના મુજબ ધોરણ 10 અને 12 ના વર્ગો શરૂ કરવા દરેક શાળાઓને તૈયાર કરી વાલીઓ અને વિદ્યાર્થીઓને સૂચનાઓ કરી છે. તા.11 જાન્યુઆરીથી શરૂ થતાં શૈક્ષણિક કાર્ય માટે પાટણ શહેરની ધોરણ-10 અને 12ના વર્ગખંડો ધરાવતી શાળાઓએ શૈક્ષણિક કાર્ય શરૂ કરવા તૈયારીઓ આરંભી છે. જેના પ્રથમ તબક્કામાં બંધ રહેલા વર્ગખંડોને ખોલવામાં આવ્યા છે અને સાફ-સફાઈ કરી તેને સેનેટાઈઝર કરવાની કામગીરી હાથ ધરી છે. તો સરકારની ગાઇડ લાઇન મુજબ વિદ્યાર્થીઓ વચ્ચે રહે તે માટે બેન્ચ ઉપર માર્કિંગ કરવામાં આવી રહ્યા છે. જેને લઇ એક બેન્ચ ઉપર નિશાનીવાળી જગ્યાએ વિદ્યાર્થીઓ બેસી શકશે.
સંમતિપત્રકો લેવા વાલીઓ શાળાએ પહોંચ્યા
સરકારની SOP મુજબ દરેક વાલીને વિદ્યાર્થીને શાળામાં મોકલવા માટે સંમતિ પત્રક આપવું જરૂરી છે. જેને લઇ શનિવારે પાટણની વિવિધ શાળાઓમાં વાલીઓ જાતે જ આવા સંમતિપત્રકો લેવા આવ્યા હતા. જેઓએ પોતાના પ્રતિભાવો આપતા જણાવ્યું હતું કે, શાળાઓ ખોલવાના સરકારના નિર્ણયને આવકારીએ છીએ. કોરોના મહામારીને લઇ દસ મહિનાથી ઓનલાઇન શિક્ષણ આપવામાં આવતું હતું. પરંતુ હવે શિક્ષકો વિદ્યાર્થીઓને વર્ગખંડમાં જ શિક્ષણ આપશે જેથી વિદ્યાર્થીઓની શિક્ષણની ગુણવત્તા સુધરશે.
બોર્ડની પરીક્ષાના તણાવમાંથી વિદ્યાર્થીઓ થશે મુક્ત
કોરોના મહામારીને લઇ બોર્ડની પરીક્ષા મામલે અસમંજસ સાથે તણાવ અનુભવી રહેલા વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, શાળાઓ ખુલતા માનસિક તણાવ ઓછો થશે અને શાળામાં જઈ શિક્ષકો સાથે રૂબરૂ વાર્તાલાપ કરી માર્ગદર્શન મેળવી શકાશે. કોરોના દરમિયાન યુટ્યુબ અને ઓનલાઈનના માધ્યમથી અભ્યાસ કર્યો છે. પરંતુ બોર્ડની પરીક્ષાને લઈ સતત તણાવમાં રહેતા હતા તે હવે દુર થશે.
દસ મહિનાથી ખોરંભે પડેલ શૈક્ષણિક કાર્ય સોમવારથી શરૂ
કોરોના મહામારીને કારણે દસ મહિનાથી ખોરંભે પડેલ શૈક્ષણિક કાર્ય સરકારના નિર્ણય મુજબ સોમવારથી પુનઃ શરુ થવા જઈ રહ્યું છે. પ્રથમ તબક્કા ધો. 10 -12 ના વર્ગોને જ છૂટ આપવામાં આવી છે. પરંતુ સમય જતા અન્ય ધોરણના વર્ગોને પણ છૂટ આપવામાં આવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.