- જૂની અદાવતને લઇ બંન્ને સમાજની મહિલાઓ વચ્ચે બોલાચાલી
- પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને લઇ મહિલાઓ ઉતરી રસ્તા પર
- મહિલાઓએ રોડ કર્યો ચક્કાજામ
- પોલિસે મહિલાઓને અટકાવતા મહિલાઓ બની રણચંડી
- સમી પોલીસ સ્ટેશનમાં મહિલાઓએ મચાવ્યો હંગામો
પાટણઃ જિલ્લાના સમી તાલુકાના બાસ્પા ગામે જુની અદાવતને લઈને ચાલતા ઝઘડામાં બન્ને સમાજની મહિલાઓ વચ્ચે મામૂલી બાબતને લઈને બોલચાલી થઇ હતી. આ બાબતે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસની કાર્યવાહીના વિરોધમાં નાડોદા સમાજની મહિલાઓએ રસ્તા ઉપર ઉતરી વાહનો રોકી રોડ પર ચક્કાજામ કર્યો હતો.
મહિલાઓ બની રણચંડી
પોલીસની કાર્યવાહી સામે ઉગ્ર બનેલી મહિલાઓ ટ્રેકટરમાં બેસી સમી પોલીસ સ્ટેશન જવા નીકળી હતી. જેને લઇને પોલીસે ટ્રેકટર રોકીને તમામ મહિલાઓને નીચે ઉતરતા રોડ ઉપર મહિલાઓ રણચંડી બની હતી. અને પોલીસ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા.
પોલીસ સ્ટેશનમાં મચાવ્યો હંગામો
જ્યારે પાંચેક કિલોમીટર ચાલીને મહિલાઓ સમી પોલીસ સ્ટેશન પહોંચી હંગામો મચાવ્યો હતો. સમી પોલીસ સ્ટેશનમાં બાસ્પા ગામના લોકો દ્વારા હંગામો મચાવ્યાના સમાચારથી જિલ્લા માંથી પોલીસ કાફલો દોડી આવ્યો હતો. પાટણ જિલ્લામાં રેન્જ IGની મુલાકાત સમયે બાસ્પા ગામની મહીલઓ દ્વારા રસ્તા પર વાહનો રોકી ચક્કા જામ કરતા જિલ્લાની પોલીસ દોડતી થઈ હતી.
પોલીસ પર કર્યા આક્ષેપ
નાડોદા સમાજની મહિલાઓ દ્વારા ખોટી રીતે હેરાન કરવામાં આવતા હોવાના પોલીસ પર આક્ષેપ કરવામાં આવ્યા હતા. સમી પોલીસ સ્ટેશનમાં ઉગ્ર બનેલી મહીલાઓની રજૂઆત જિલ્લા પોલીસના અધિકારીઓએ સાંભળી હતી અને જિલ્લા પોલીસ દ્વારા મધ્યસ્થી કરવામાં આવી હતી. જેને લઇને સમગ્ર મામલો થાળે પડતા પોલીસ સ્ટેશનથી તમામ મહિલાઓ શાંતીથી પોતાના ઘેરે જવા નીકળી હતી.