પાટણ: સાંતલપુરના પાટણકા ગામે થયેલી ઘરફોડ ચોરીનો ભેદ સાંતલપુર પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી લીધો છે. પોલીસે ચોર પાસેથી સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 1,60,200નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
સાંતલપુર તાલુકાના ચારણકા ગામે રહેતા હમીરભાઇનાં ઘરે ગત તારીખ 17 માર્ચના રોજ સોનાના દાગીના મળી કુલ રૂપિયા 6,56,700 ના મુદ્દામાલની ઘર ફોડ ચોરી થઈ હતી. જે બાબતે મકાનમાલિકે સાંતલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી અને બાતમીના આધારે ઘરફોડ ચોરી કરનારા ભરત ઉર્ફે ભચો જીવણભાઈ આયરને બાબરા ગામમાંથી ઝડપી તેની પાસેથી 1,60,200નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
ચોરીના બાકીના મુદ્દામાલ અંગે પૂછપરછ કરતા ચોરી કરનારા ઈસમે આઈ.આઈ.એફ.એલ.ફાયનાન્સમાં સોનાના દાગીના ગીરવે મૂકી લોન કરાવી હોવાનું તપાસમાં બહાર આવ્યુ છે. નવાઈની વાત છે કે, પકડાયેલો ઈસમ ફરિયાદીની પડોશમાં જ રહેતો હતો.