- વેડ ગામે મંજૂરી વગર આમ આદમી પાર્ટી(AAP)નો જાહેર કાર્યક્રમ યોજાયો
- આપના કાર્યક્રમમાં કોરોનાની ગાઈડલાઈન ભુલાઈ
- પોલીસે 15 નેતાઓની કરી અટકાયાત
- પોલીસની કાર્યવાહીને લઇને સભામાં મચી ભાગદોડ
પાટણઃ ગુજરાતમાં આગામી 2022માં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે. જેને લઇને રાજકીય પાર્ટીઓ દ્વારા અત્યારથી જ બેઠકોનો દોર શરૂ કર્યો છે, ત્યારે આમ આદમી પાર્ટી(AAP) ગુજરાતમાં પોતાનું સ્થાન જમાવી શકે તે માટે પાર્ટીના નેતાઓ દ્વારા રાજ્યના વિવિધ શહેરો અને ગામોમાં જાહેર કાર્યક્રમો કરી લોકોને પાર્ટીમાં જોડી રહ્યા છે, ત્યારે સમી(Sami) તાલુકાના વેડ ગામે આમ આદમી પાર્ટીનો એક જાહેર કાર્યક્રમ પ્રદેશ નેતા વિજય સુવાળા (Region leader Vijay Suwala)અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
આ પણ વાંચોઃ Porbandar Congress ના મહિલા મોરચાએ સંભાળ્યો મોંઘવારી સામે ધરણાનો મોરચો, 12ની અટકાયત
કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
આ કાર્યક્રમમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમા ચૌધરી, પ્રદેશ સંગઠન મંત્રી રમેશ નાભાણી, જિલ્લા પ્રમુખ પ્રશાંત ચૌધરી, સમી તાલુકા પ્રમુખ મહેશ ઠાકોરનું સામૈયા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતાં. મંજૂરી વગર યોજવામાં આવેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થતાં સરકારની કોરોના ગાઇડલાઇન(Corona Guideline)નો ભંગ થયો હતો. જેને પગલે પોલીસે સ્થળ પર પહોંચી કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રદેશ નેતા વિજય સુવાળા (Region leader Vijay Suwala)સહિત 15 હોદ્દેદારોની અટકાયત કરી હતી.
આ પણ વાંચોઃ રાજકોટમાં ગોપાલ ઇટલીયાનો કરાયો વિરોધ, પોલીસે 10થી વધુ લોકોની કરી અટકાયત
આપના નેતા એ પોલીસની કાર્યવાહી સામે ઉઠાવ્યા સવાલો
આ મામલે આપના પ્રદેશ નેતા વિજય સુવાળા(Region leader Vijay Suwala)એ પોલીસની કાર્યવાહી સામે તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરી જણાવ્યું હતું કે, પોલીસ આ કાર્યક્રમ પ્રેમથી પણ બંધ કરાવી શકતી હતી, પણ પોલીસે સીધી દાદાગીરી કરતા કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોમાં ભારે ભાગદોડ મચી હતી. આ દરમિયાન જો કોઈ જાનહાની સર્જાઈ હોત તો જવાબદારી કોની બનતી! સરકાર દ્વારા લોકોના અવાજને દબાવવામાં આવી રહ્યો છે, તેઓ આક્ષેપ કર્યો હતો.