પાટણ : શહેરમાં અનેક જગ્યાઓ પર શેરી ગરબાનું (Navratri Festival 2022) આયોજન કરવામાં આવ્યું છે. જેમાંથી કેટલીક જગ્યા પરના ગરબા આયોજનો આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. ત્યારે શહેરના ગુજરવાડા મોહલ્લામાં દોરી રાસ (Dori Ras) આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. દોરી રાસ એ પ્રાચીન પદ્ધતિનો રસ છે જેને સામાન્ય વ્યક્તિ રમી શકતો નથી આ રસ રમવા માટે ચોક્કસ તાલીમની જરૂર પડે છે અને તાલીમ લીધેલ વ્યક્તિ જ આ ગરબા રમી શકે છે.
પ્રાચીન રાસ દોરી રાસ : દોરી રાસ (Dori Ras) રમવા માટે બે જોડી બનાવવામાં આવે છે જે અંદર બહાર ગોળ ફરી રાસ રમે છે અને દોરી ગૂંથાતી અને છૂટતી જાય છે. દોરી રાસએ પૂર્ણ રૂપે આપણી સંસ્કૃતિની ભાત પાડવા સાથે સામાજિક એકતાની ગૂંથણી પણ કરે છે. આ પ્રાચીન પરંપરા પાટણના ગુજરવાડા મહોલ્લાના પાટીદાર સમાજે જાળવી રાખી છે. આ પ્રાચીન રાસ રમવાની મજા માણી રહ્યા છે.
લુપ્ત થતા રાસને જીવંત રાખવા યુવા પેઢી પણ આગળ આવી : ગુજરવાડા મોહલ્લામાં વડવાઓથી ચાલી આવતી આ પરંપરા પ્રમાણે દર વર્ષે નવરાત્રિમાં (Navratri Festival 2022) બે થી ત્રણ દિવસ દોરી રાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે. જેમાં યુવાનો યુવતીઓ અને વયસ્કો પણ આ દોરી ગરબા રમી વર્ષોની પરંપરા જાળવી રાખે છે. આજની યુવા પેઢીને વર્ષોની આ પરંપરા જાળવી રાખવા માટે પ્રેરણા પૂરી પાડે છે.