- દિલ્હીમાં યોજાયેલા નેશનલ કરાટે ચેમ્પિયનશીપમાં પાટણની યુવતીએ વગાડ્યો ડંકો
- 27 અને 28 ઓગસ્ટે યોજાયેલી આ સ્પર્ધામાં યુવતીએ 2 ગોલ્ડ મેડલ જીત્યા
- કોમલ આચાર્યએ નેશનલ કરાટે સ્પર્ધામાં પાટણનું નામ ગુંજતું કર્યું
- નેશનલ કરાટે ચેમ્પિયનશીપમાં ગુજરાત પ્રથમ નંબરે
- દરેક યુવતીએ પોતાના આત્મરક્ષણ માટે તાલીમ લેવી જોઈએ:કોમલ આચાર્ય
- વર્ષ 2019માં દિલ્લી ખાતે ઇન્ટરનેશનલ કરાટે સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે
પાટણઃ દિલ્હીમાં તાજેતરમાં નેશનલ કરાટે ચેમ્પિયનશિપ યોજાઈ હતી, જેમાં પાટણની કોમલ આચાર્યે વિવિધ રાજ્યોના પ્રતિસ્પર્ધી ખેલાડીઓને હરાવી 2 ગોલ્ડ મેડલ મેળવી સમગ્ર દેશમાં પાટણ શહેર સહિત ગુજરાત રાજ્યનું નામ રોશન કર્યું છે. કોમલ આચાર્યની આ સિદ્ધિથી પાટણ જિલ્લાનું નામ ગૌરવવંતુ બન્યું છે અને પરિવારજનોમાં પણ અનેરી ખુશી જોવા મળી રહી છે.
આ પણ વાંચો- ગુજરાતનું નામ રોશન કરનાર ભાવિના પટેલ સાથે મુખ્યપ્રધાન રૂપાણીએ કરી વાત, 3 કરોડની ભેટ આપવાની કરી જાહેરાત
નેશનલ કરાટે ચેમ્પિયનશીપમાં ગુજરાત પ્રથમ ક્રમાંકે રહ્યું
જિલ્લામાં સરસ્વતી તાલુકાના મેસર ગામના મૂળ વતની અને હાલમાં પાટણમાં રહેતા શ્રીમાળી વસંતભાઈની પુત્રી કોમલ આચાર્યએ તાજેતરમાં દિલ્હીમાં રેડિશન બ્લ્યૂ હોટલમાં યોજાયેલી કરાટે નેશનલ ચેમ્પિયનશીપ સ્પર્ધામાં ભાગ લીધો હતો. અહીં દેશના 12 રાજ્યોના 135 ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં કોમલ આચાર્યએ પ્રતિસ્પર્ધી ખેલાડીઓને હરાવી સ્પર્ધામાં 2 ગોલ્ડ મેડલ મેળવી પાટણ અને રાજ્યનું નામ રોશન કર્યું છે. નેશનલ કરાટે ચેમ્પિયનશીપમાં પ્રથમ નંબરે ગુજરાત, બીજા નંબરે જમ્મુ-કાશ્મીર અને ત્રીજા નંબરે લખનઉ રહ્યું હતું.
આ પણ વાંચો- જામનગરમાં બિરિયાનીની લારી ચલાવતા પિતાની પુત્રીઓએ ક્રિકેટમાં ડંકો વગાડ્યો
હવે મારું લક્ષ્ય ઓલિમ્પિકમાં કરાટેમાં ગોલ્ડ મેડલ જીતવાનું છેઃ કોમલ આચાર્ય
કોમલ આચાર્યએ ચેમ્પિયનશીપ માટે મહેસાણાની રિવ્યુ સ્કૂલ ઓફ ઈન્ડિયાના કોચ શક્તિ જયસ્વાલના માર્ગદર્શન હેઠળ સ્પર્ધામાં ભાગ લીધો હતો. નેશનલ કરાટે ચેમ્પીયનશીપ ગોલ્ડ મેડલ મેળવીને આવનારી દીકરીનું પરિવાર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેની સિદ્ધિને બિરદાવવામાં આવી હતી. કોમલ આચાર્યએ આ અંગે જણાવ્યું હતું કે, અભ્યાસ બાદ હું નિયમિત રીતે કરાટેની પ્રેક્ટિસ કરું છું. આ માટે સંસ્થાના કોચ તેમ જ પરિવાર તરફથી પૂરું પ્રોત્સાહન આપવામાં આવે છે. અત્યાર સુધી ઓલિમ્પિકમા કરાટેને સ્થાન નહતું, પરંતુ હવે તેને સ્થાન મળ્યું છે. આથી હવે મારું લક્ષ્ય ઓલિમ્પિકમાં કરાટેમાં દેશ માટે ગોલ્ડ મેડલ મેળવવાનું છે. આ માટે હું તનતોડ મહેનત કરી રહી છું. હાલના સમયમાં દરેક યુવતીએ પોતાના આત્મરક્ષણ માટેની તાલીમ અવશ્ય લેવી જોઈએ.
કોમલે વર્ષ 2019માં ખેલ મહાકુંભમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો
કોમલના પિતા વસંત શ્રીમાળીએ જણાવ્યું હતું કે, વર્ષ 2019માં યોજાયેલા ખેલ મહાકુંભમાં કોમલે જિલ્લા કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ત્યારબાદ દિલ્હીમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય કરાટે સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. આ ઉપરાંત તાજેતરમાં 27 અને 28 ઓગસ્ટે દિલ્હીમાં યોજાયેલી નેશનલ કરાટે સ્પર્ધામાં બે ગોલ્ડ મેડલ મેળવ્યા છે. કોમલને આગળ વધવા તમામ પ્રકારનું માર્ગદર્શન અને પ્રોત્સાહન પુરૂં પાડવામાં આવશે.