પાટણઃ શહેરમાં છેલ્લા આઠ દિવસથી ચોમાસું બરાબર જામ્યું છે. ગુરૂવારે સાંજના સમયે એક કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો ત્યારે શુક્રવારે સવારથી જ વરસાદી માહોલ સર્જાયો છે અને આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા હતા અને પવનના સૂસવાટા સાથે વરસાદ વરસ્યો હતો. જેને પગલે ચારે તરફ વરસાદી પાણી ફરી વળતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા ભરાઇ જવાની સમસ્યા સર્જાઈ હતી. તો બીજી તરફ શહેરમાં પડેલા ભારે વરસાદને પગલે આનંદ સરોવર છલોછલ ભરાઇ જતાં આસપાસની સોસાયટીઓ માટે ખતરાની ઘંટડી સમાન બન્યું છે. અગાઉ બે વર્ષ પહેલાં આનંદ સરોવર ઓવરફ્લો થતાં આજુબાજુની 50 જેટલી સોસાયટીઓમાં પાણી ઘુસી જતા ભારે ખાનાખરાબી સર્જાઇ હતી ત્યારે ભારે વરસાદની આપવામાં આવેલી આગાહીના પગલે સોસાયટીના રહીશોના જીવ અધ્ધર થયા છે અને લોકો ઉચાટમાં આવી ગયા છે.
પાટણ પંથકમાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે. બપોર સુધીમાં નોંધાયેલા વરસાદમાં પાટણ 11 mm, રાધનપુરમાસ 9 mm, ચાણસ્મા 18 mm, શંખેશ્વરમાં 11 mm, સમીમાં 8 mm, સંતાલપુરમાં 1 mm અને હારીજમાં 64 mm વરસાદ નોંધાયો છે. જ્યારે સરસ્વતી અને સિધ્ધપુર તાલુકાઓ કોરા રહ્યા હતા.