કેન્દ્ર સરકારે રચેલી કમીટી દ્વારા દેશના 253 જિલ્લાઓમાં ભુગર્ભ જળના સ્તર નીચે જવાથી જનભાગીદારીથી જળસંચયના કામો કરી જળ સ્તર ઉંચા લાવવા પ્રયત્નો હાથ ધરવામાં આવનાર છે. તે અંતર્ગત પાટણ જિલ્લાના ચાર તાલુકાના ગામોમાં થયેલા જળ શક્તિ અભિયાનના કામોની મુલાકાત લીધી હતી.
જાલેશ્વર પાલડી ખાતે વરસાદના પાણીનો સંગ્રહ કેવી રીતે કરવો, તે પાણીનો ફરીથી ઉપયોગ થાય તે માટે શું શું કરવુ જોઈએ, ગામનું પાણી ગામ અને ખેતરનું પાણી ખેતરમાં રહે તે પ્રકારની કામગીરી હાથ ધરવા અનુરોધ કર્યો હતો. ગામના મંદિરના પરીસરમાં આવેલ રામકુંડની કેન્દ્રીય ટીમના અધિકારીઓ અને ગ્રામજનોએ સાથે મળી સ્વચ્છતા અભિયાનમાં શ્રમદાન કયું હતું.
ચાણસ્મા ખાતે ચાણસ્મા તાલુકાના સરપંચો અને તલાટી મંત્રીઓ સાથે બેઠક યોજી હતી. અને તેમની પાસેથી જળસંચય અંગેની વિગતો મેળવી હતી. આ વિસ્તારમાં ભુગર્ભ જળનું સ્તર નીચું જઇ રહયું છે. આપણે સૌ જળસંચય નહી કરીએ તો ભવિષ્યમાં પાણીની મુશ્કેલી પડશે. જનભાગીદારીથી અંતરિયાળ ગામોથી શહેર સુધી જળસંચય જરૂરી છે. ભુગર્ભ જળને બચાવવા પાણીનો વપરાશ ઓછો કરી વરસાદી પાણી વહી જતું બચાવી વધુને વધુ પાણી જમીનમાં ઉતરે તે પ્રકારની કામગીરી કરવા સરપંચ અને તલાટીઓને અનુરોધ કર્યો હતો.
આવનાર પેઢી માટે અને આપના માટે પાણીની ચિંતા કરવાનો સમય આવી રહ્યો છે. તાત્કાલીક ધોરણે વરસાદી પાણીનો સંગ્રહ કરવાની યોજના ફરજીયાત બનાવવા જણાવ્યું હતું. બ્રામણવાડા ગામ ખાતે રીચાર્જ કરવાના ટયુબવેલની મુલાકાત લીધી હતી. સરકારી ઈમારતોમાં રૂફ વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ છે તે પ્રકારની દરેક ઘર સુધી પહોંચે તે જરૂરી છે. રાજ્ય સરકારની યોજનાઓ સાથે સાથે જનભાગીદારી દ્વારા જળસંચય તથા વૃક્ષારોપણ કરી આવનારા જળસંકટથી બચી શકાય. જીવનની જેમ પાણીનો જથ્થો મર્યાદિત છે. વોટર હાર્વેસ્ટિંગ દ્વારા ઘરેલું કક્ષાએ પણ ભૂગર્ભજળનું સ્તર વધારી શકાય છે. રુપપુર તળાવની મુલાકાત લીધી હતી મુખ્ય વ્યવસાય ખેતી હોવાથી પાક ફેરબદલ દ્વારા ઓછા પાણીએ થતા પાક ઉગાડી પાણી બચાવી શકાય તે પ્રકારનું આયોજન હાથ ધરવા જણાવ્યું હતું.
ચોમાસાના અંત સુધીમાં જળ સ્તર ઊંચું આવે તે માટે કટીબધ્ધ બની માત્ર અભિયાન પૂરતું જ નહીં રોજિંદા જીવનની આદત બને તે પ્રકારે જળસંચય ઝુંબેશ ચલાવવી પડશે. આ કાર્યક્રમમાં ઇન્ફોરમેશન ડીપાર્ટમેન્ટના ડાયરેકટર ગીરીશ ચંદ્રા એરોન, ટેકનીકલ ઓફિસર નરેશ પોરવાલ, પ્રાન્ત અધિકારી ડી.બી.ટાંક, સિંચાઇ અધિકારી શ્રોપ, ખેતીવાડી અધિકારી. શૈલેષભાઇ પટેલ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.