પાટણ : રાજ્યમાં કેટલીક જગ્યાએ ભર ઉનાળે વરસાદી વાતાવરણ જામ્યું છે. પાટણ શહેરમાં શુક્રવારે સવારમાં વરસાદી ઝાપટા બાદ સાંજે પણ વરસાદ પડતા માર્ગો ભીના થયા હતા. સિદ્ધપુર, ચાણસ્મા અને હારીજ સમીમાં વરસાદી વાતાવરણ છવાઈ હતું. ઝરમર સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા. પરંતુ હારીજમાં ધોધમાર વરસાદી માવઠું પડતા APMC ખાતે રાખવામાં આવેલા વિવિધ ખેત પેદાશો પલળી જતા કરોડો રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ સેવાઈ રહ્યો છે. તો બીજી તરફ ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે.
ભર ઉનાળે અષાઢી માહોલ : હવામાન વિભાગની આગાહીને પગલે આજે વહેલી સવારથી જ પાટણ શહેર સહિત જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો હતો. સવારે વાતાવરણમાં એકાએક પલટો આવતા ગાજવીજ સાથે કમોસમી વરસાદી ઝાપટું પડ્યું હતું. હારીજમાં બપોર બાદ એકાએક વાતાવરણ પલટાયું હતું. જ્યોત જોતામાં કાળા ડિબાંગ વાદળો ધસી આવતા વીજળીના તેજ લિસોટા સાથે ભારે વરસાદ વરસ્યો હતો. વરસાદને પગલે હારીજ APMC માર્કેટમાં ખેડૂતોનો હરાજી કરેલો માલ રાખવામાં આવ્યો હતો. તે પલળી જતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે.
ખેડૂતોના મહામોલા પાક પાણી ફરી વળ્યું : કમોસમી વરસાદથી હારીજ APMC ખાતે ખેડૂતો દ્વારા વેચાણ માટે ઉતારવામાં આવેલો ખેતીપાકોનો માલ એરંડા, ઇસબગુલ, જીરું, ઘઉં, વરીયાળી સહિતના ખેતી પાકોની આશરે રૂપિયા 5 કરોડ જેટલી કિંમતનો માલ કમોસમી વરસાદમાં પલળી જતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. બપોરે બે વાગ્યા આસપાસ અચાનક આવેલા 1 ઈંચ જેટલા વરસાદ વરસતા APMCમાં પાણી ભરાઈ જતાં હરાજી થયેલા પાક માલનું ખરીદી કરનાર વેપારીઓ દ્વારા માલ પલળી ગયો હોવાનું કહી અધ્ધર હાથ કરી દેતા અને એપીએમસી દ્વારા શનિવાર-રવિવારની રજા જાહેર કરવામાં આવતા ખેડૂતો ચિંતાતુર બનવા પામ્યા હતા.
આ પણ વાંચો : Banaskantha News : ચોમાસાની આગોતરી તૈયારીઓ માટે કલેક્ટરની બેઠક, જરૂરી પગલાઓને લઈને આપી સૂચના
ખેડુતોની વરાળ : ખેડુતો પોતાની હૈયાવરાળ ઠાલવતા જણાવ્યું હતુ કે, APMCમાં અમારો ખેતીનો માલ ઉતર્યા પછી હરાજી થયા બાદ અમારા માલની જવાબદારી કમિશન એજન્ટો અને APMCની હોવી જોઇએ. અમારી મહેનત અને પરસેવાથી ઉત્પાદન કરેલા ખેતી પાકોનો માલ હાલ રસ્તે રઝળતો થયો તેની જવાબદારી કોની? અન્ય APMCમાં ખેતી પાકોનો માલ કોથળામાં હરાજી કરવામાં આવે છે, ત્યારે હારીજમાં ફરજીયાત ઢગલા કરાવાય છે, ત્યારે લાખો રૂપિયા શેષ વસુલાત કરતી APMC પોતાની જવાબદારી માથે રાખી ખેડૂતોના ખેતી પાકોના હરાજી થયેલા માલ ખરીદી કરનાર વેપારીઓ વજન તોલ પૈસા ચૂકવે અને APMC ખેડૂતોના માલ રક્ષણ માટે વ્યવસ્થા કરે તેવી ખેડૂતોમાં ભારે રોષ સાથે માંગ કરી હતી.
આ પણ વાંચો : Gujarat Weather Update : ખેડૂતો ધ્યાન આપો, ફરી એકવાર રાજ્યમાં વરસાદની આગાહી
APMCની ઘોર બેદરકારી : ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ અને જિલ્લા ખેતીવાડી વિભાગ પાટણ દ્વારા વરસાદની આગાહીને પગલે ખેડૂતો તેમજ APMC માર્કેટમાં ખેડૂતોનો માલ અને ખેતપેદાશો બગડે નહીં તે માટે તેઓના માલ સુરક્ષિત જગ્યાએ રાખવા માટેની સૂચનાઓ આપવામાં આવી હતી, પરંતુ હારીજ APMCની ઘોર બેદરકારીને કારણે આજે ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાયો છે અને ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે.