પાટણઃ દિવાળી પર્વે મીઠાઈથી દરેકનું મોં મીઠું કરાવવામાં આવે છે. અત્યારે દરેક પ્રાંતની મીઠાઈ દરેક પ્રાંત સુધી પહોંચી ગઈ છે. પાટણ પંથકમાં બંગાળની મીઠાઈઓ પણ વેચાતી જોવા મળે છે. આ દરેક મીઠાઈમાં પાટણવાસીઓને સૌથી પ્રિય છે દેવડા. 160 વર્ષથી દેવડા અન્ય મીઠાઈઓને ટક્કર આપીને શીરમોર મીઠાઈ બની રહ્યા છે. પાટણમાંથી ગુજરાત, ભારત અને વિદેશ સુધી દેવડાની પ્રસિદ્ધિ, સ્વાદ, ગુણવત્તા પ્રસરી ચૂકી છે.
પાટણની ઓળખ દેવડાઃ આજે સમગ્ર વિશ્વમાં પાટણને ઓળખની કોઈ ઓળખની જરુર નથી. પાટણની રાણીની વાવ અને પટોળાને લીધે આ શહેર વિશ્વ પ્રસિદ્ધ છે. પાટણની અન્ય એક ઓળખે પણ પાટણને વિશ્વભરમાં ગુંજતુ કર્યુ છે અને તે એટલે દેવડા નામની મીઠાઈ. પાટણમાં 160 વર્ષથી આ મીઠાઈ બને છે. આટલા વર્ષો થયા પણ દેવડાનું આકર્ષણ ઘટ્યું નથી. દેવડાની બનાવટ, સ્વાદ અને તેની ગુણવત્તાને લીધે દેવડા આજે પણ સ્વાદરસિકોમાં ખૂબ જ પ્રિય છે. પાટણથી દેવડા વિદેશમાં એકસપોર્ટ થાય છે. પાટણ સિવાય અનેક શહેરોના મીઠાઈ વેપારીઓએ દેવડા બનાવીને વેચવાની કોશિશ કરી છે, પણ પાટણના પાણીના ઉપયોગથી બનેલા દેવડાનો સ્વાદ જ કંઈક અલગ છે. પાટણના દેવડા લાંબા સમય સુધી સાચવી શકાય છે. તેથી આ મીઠાઈ ગ્રાહકોમાં હોટ ફેવરિટ છે. પાટણના દેવડાની પ્રસિદ્ધિથી જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન પણ આકર્ષાયા છે. કલેક્ટરે મીઠાઈની દુકાનની રુબરુ મુલાકાત લઈ, દેવડાનો સ્વાદ માણી, દેવડાની ખરીદી કરી ચૂક્યા છે.
પાટણમાં અમે 160 વર્ષથી દેવડા બનાવીએ છીએ. દેવડા મીઠાઈ લાંબા સમય સુધી બગડતી નથી અને આરોગ્ય માટે બિનહાનિકારક છે. અમારી દુકાનની મુલાકાતે જિલ્લા કલેક્ટર અરવિંદ વિજ્યન આવ્યા હતા, તેમણે પણ દેવડાની ખરીદી કરી હતી...દિલીપ સુખડીયા, વેપારી, પાટણ
દેવડાની બનાવટઃ પાટણમાં બનાવતા દેવડાની બનાવટ વિશિષ્ટ છે. મેદા, ઘી અને ખાંડએ દેવડા મીઠાઈના મુખ્ય ઘટકો છે. મેદામાંથી બનતા દેવડાને શુદ્ધ ઘીમાં તળવામાં આવે છે. ત્યારબાદ તે ઠંડા થાય પછી તેણે ખાંડની ચાસણીમાં ડબોળવામાં આવે છે. ચાસણીયુક્ત દેવડા પર બદામ પિસ્તાથી ડેકોરેશન કરવામાં આવે છે. પાટણના સુખડીયા પરિવારે 6 પેઢીથી દેવડા બનાવવામાં મહારથ જાળવી રાખી છે. પહેલા બજારમાં દેવડાની એક જ ફ્લેવર 'બદામ પિસ્તા દેવડા' ઉપલબ્ધ હતી. આજે નવી પેઢીના મીઠાઈના વેપારીઓએ દેવડામાં ઈનોવેશન કર્યુ છે. જેમાં તેઓ દેવડાની અવનવી ફ્લેવર્સ લઈને આવ્યા છે. આ નવી ફ્લેવર્સમાં ચોકલેટ દેવડા, કેસર પિસ્તા દેવડા અને બટર સ્કોચ દેવડાનો સમાવેશ થાય છે. જૂની ફ્લેવર સાથે આ નવી ફલેવર્સના દેવડા પણ ગ્રાહકોને પસંદ આવી રહ્યા છે.
અમારી જૂની પેઢીએ તૈયાર કરેલ મીઠાઈ દેવડાના વેપાર સાથે અમે નવી પેઢીના યુવાનો પણ સંકળાયા છીએ. આજે દેવડાની અવનવી ફલેવર્સ અમે બજારમાં લાવ્યા છીએ. જેમાં ચોકલેટ દેવડા, કેસર પિસ્તા દેવડા અને બટર સ્કોચ દેવડાનો સમાવેશ થાય છે. આ નવી ફલેવર્સ પણ ગ્રાહકોમાં હોટ ફેવરિટ છે...મૌલિક સુખડીયા (વેપારી, પાટણ)
પાટણના દેવડા એ દરેક વર્ગને પોષાય તેવી મિઠાઈ છે. જેથી સામાન્ય વર્ગના લોકો પણ સરળતાથી ખરીદી શકે છે. બહારગામથી આવતા વ્યક્તિઓ ચોક્કસ દેવડાની ખરીદી કરે છે. તેમજ દેવડા લાંબા સમય સુધી સાચવી શકાતા હોવાથી વિદેશમાં પણ દેવડા એક્સપોર્ટ કરવામાં આવે છે...યતિન ગાંધી(ગ્રાહક, પાટણ)