- ઓક્સિજન પ્લાન્ટ પર લાઈનોમાં ઉભા રહેતા લોકોને આપી રહ્યા છે નાસ્તો
- 7થી 8 કલાક લાઇનોમાં ઊભા રહેતા લોકો માટે આ સેવા આશીર્વાદરૂપ બની
- શંખારી ગામના યુવાનોની સેવાને લોકોએ બિરદાવી
પાટણ: શહેરમાં કોરોનાગ્રસ્ત દર્દીઓ અને તેમના સગાઓ સારવાર અર્થે મોટી સંખ્યામાં આવી રહ્યા છે. ત્યારે, જિલ્લાનો એકમાત્ર ઓક્સિજન પ્લાન્ટ પાટણના સંખારી નજીક આવેલો છે. હાલમાં, જિલ્લામાં ઓક્સિજનની ભારે અછત સર્જાઈ છે. ત્યારે, આ પ્લાન્ટની બહાર 7થી 8 કલાક લાઈનોમાં ઉભા રહ્યા બાદ જ ઓક્સિજનના બાટલા મળે છે. આથી, ઓક્સિજનનો એક બાટલો મેળવવા દર્દીના સગાઓ ભૂખ્યા-તરસ્યા સવારથી જ લાઈનોમાં ઉભા રહે છે. આવા લોકોની સેવા અને મદદરૂપ બનવા વિવિધ સંસ્થાના કાર્યકરો ખડે પગે હાજર રહી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.
આ પણ વાંચો: પાટણ જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો
સંખારી ગામના યુવાનોનું સરાહનીય કાર્ય
કોરોનામાં આવી, દયનીય પરિસ્થિતિનો સામનો કરતાં આવા લોકો માટે સંખારી ગામના યુવાનો આગળ આવ્યા છે. તે માનવતાની મહેક પ્રસરાવતા હોય તેમ ઓક્સિજન લેવા માટે લાઈનોમાં ઉભેલા લોકોને બપોરે છાશ અને બટાકા પૌવાનો નાસ્તો તેમજ સાંજે લીંબૂ શરબત આપી રહ્યા છે.
આ પણ વાંચો: પાટણના ધારાસભ્યએ રેમડેસીવીર ઇન્જેક્શનના જથ્થા માટે 10 લાખ ફાળવ્યા