પાટણ : ભગવાન જગન્નાથના દર્શન માટે પાટણ માનવ મહેરામણ ઉમટ્યું હતું. પાટણના પ્રસિદ્ધ જગદીશ મંદિર ખાતે વહેલી સવારથી ભગવાન જગન્નાથજીના દર્શન કરવા માટે ભાવિક ભક્તોનો ઘસારો જોવા મળ્યો હતો. મંદિરમાં કીડીયાળુ ઉભરાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતાં., રથયાત્રા પૂર્વે બે ગજરાજોને મંદિર પરિસરમાં તેઓનું ટ્રસ્ટીઓ દ્વારા વિધિવત રીતે પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શુભ મુહૂર્તમાં ભગવાન જગન્નાથજી ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની મૂર્તિઓને સુશોભિત કરાયેલા ત્રણેય રથોમાં બિરાજમાન કરવામાં આવી હતી. ત્યારે જય રણછોડ માખણ ચોરના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
રથયાત્રામાં રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા : ભગવાનની ત્રણેય મૂર્તિઓને ચાંદીજડિત રથમાં પ્રસ્થાપિત કરવામાં આવી ત્યારે રાજકીય અને સામાજિક આગેવાનો અને વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રથયાત્રામાં ઉપસ્થિત રહેલ પ્રદેશ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ જગદીશ ઠાકોર, પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલ,પાટણના ધારાસભ્ય કે.સી.પટેલ,, શહેર ભાજપ પ્રમુખ કિશોર મહેશ્વરી, સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર તેમજ વહીવટી તંત્રના અધિકારીઓ અને સામાજિક આગેવાનોનું મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
ઠેર ઠેર શ્રદ્ધાળુ ભક્તોએ આરતી ઉતારી : ભગવાન જગન્નાથનું આશરે 200 વર્ષ જૂનું મંદિર પાટણમાં આવેલુ છે. ત્યારે આ મંદિરના નવ નિર્માણ માટે પાટણના દાનવીર અને આર્કિટેક્ચર એવા પીયૂષભાઈ સોમપુરાએ મંદિરના નવનિર્માણ માટે 11 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. ત્યારે ચાલુ વર્ષે 141મી રથયાત્રામાં ભગવાન જગન્નાથજીની મહા આરતી તેમના પરિવાર દ્વારા ઉતારવામાં આવી હતી. સંગીતની સુરાવલિ વચ્ચે ભગવાન જગન્નાથ સહિત ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની યજમાન પરિવાર દ્વારા આરતી ઉતારવામાં આવી હતી. જ્યાં ઉપસ્થિત સૌ કોઈ ભગવાન જગન્નાથમય બની ગયા હતા. ત્યારબાદ ત્રણેય રથોને રાજકીય આગેવાનોએ જય રણછોડ માખણ ચોરના નાદ સાથે પ્રસ્થાન કરાવ્યાં હતાં.
100થી વધુ ઝાંખીઓ : ભગવાન જગન્નાથ સામે ચાલીને નગરજનોને દર્શને આપવા નીકળતા ભગવાનના આ અનુપમ નજારાના દર્શન માટે શહેરના માર્ગો ઉપર ઘોડાપૂર ઉમટ્યું હોય તેવો માહોલ સર્જાયો હતો. ભગવાન જગન્નાથજીની રથયાત્રાના માર્ગો પર ઠેરઠેર ભાવિક ભક્તો દ્વારા ભગવાનની પૂજા અર્ચના કરી આરતી ઉતારવામાં આવી હતી. રથયાત્રામાં બે ગજરાજ સહિત સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓની કુલ 100થી વધુ ઝાંખીઓમાં બાળકો સહિત મોટેરાઓ વેશભૂષામાં સજ્જ થઈ જોડાયા હતા. પટણી સમાજના ભાઈઓ દ્વારા મલ્લ યુદ્ધ કંસવધ સહિતના કર્તબો રજૂ કરી લોકોને મનોરંજન પૂરું પાડવામાં આવ્યું હતું.
તલવારબાજીએ જમાવ્યું આકર્ષણ : ભગવાન જગન્નાથની રથયાત્રામાં ચાલુ વર્ષે પ્રથમવાર વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો અને દુર્ગાવાહિની મહિલાઓ જોડાઈ હતી. રથયાત્રાના માર્ગો ઉપર બજરંગ દળના યુવાનોએ દંડ લાઠીદાવ સહિતના હેરતઅંગેજના કરતબો કર્યા હતા. તો દુર્ગાવાહિનીની યુવતીઓ દ્વારા રથયાત્રાના માર્ગો ઉપર ઠેર ઠેર લાઠીદાવ અને તલવારબાજીના કરતબો કરવામાં આવ્યા હતાં જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
70થી વધુ સેવા કેમ્પ ઉભા કરાયા : પાટણ શહેરમાં 141મી રથયાત્રામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તો ભગવાન જગન્નાથજીના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતાં ત્યારે વિવિધ સેવાભાવી અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા શ્રદ્ધાળુઓ માટે શરબત, ઠંડુ પાણી, ઠંડી છાશ, કેન્ડી, શીરાનો મહાપ્રસાદ લાઈવ ઢોકળા સહિતના 70થી વધુ કેમ્પો ઉભા કરવામાં આવ્યા હતાં. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તોએ લાભ લીધો હતો.
રથયાત્રામાં પોલીસનો લોખંડી બંદોબસ્ત : રથયાત્રામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા એક એસપી બે ડીવાયએસપી 4 પીઆઇ 24 પી.એસ.આઇ 200 પોલીસ જવાનો, 50મહિલા પોલીસ,1 એસ આર પી પ્લાટુન ,250 હેડ કોન્સ્ટેબલ, ચાર ઘોડે સવાર મળી 500થી વધુ પોલીસ જવાનોના લોખંડી કાફલા ઉપરાંત ડ્રોન કેમેરા અને બોડીવોર્ન કેમેરાની તીસરી આંખથી રથયાત્રાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.