- DySPએ પોલીસ કર્મચારીઓ સાથે અસભ્ય વર્તન કરતાં મામલો બીચકયો
- ૫૦ થી વધુ પોલીસ કર્મચારીઓ કચેરીએ ધરણાં ઉપર બેઠા
- પોલીસ કર્મચારીઓ પોલીસને લઈને ધરણા પર બેઠા હોય તેવો પ્રથમ બનાવ
પાટણ : પોલીસ પરીવારની મહિલાઓ દ્વારા કાઢવામાં આવેલી રેલી બાદ આ મહિલાઓને કેટલાક પોલીસપતિઓએ ઉશ્કેરી હોવાનું અનુમાન લગાવી હેડકવાર્ટર DySP સોનારાએ લેખીત જવાબ માટે બોલાવી અસભ્યવાણી વર્તન કરી પોલીસ કર્મચારીઓ સાથે ગેરવર્તણૂક કરી હોવાની રાવ કરવામાં આવી રહી છે, ત્યારે અંદાજે 50 થી 60 જેટલા પોલીસ કર્મચારીઓ ધરણા (Protest Against DySP) પર બેસી ગયા હતા. જેને લઇને પાટણ જિલ્લા પોલીસબેડામાં ખળભળાટ સાથે ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. જો કે જિલ્લા પોલીસ અધિક્ષકે આ મામલે મધ્યસ્થી કરી સમજાવટથી કામ લેતા મામલો થાળે પડયો હતો.
DySP સોનારા વચ્ચે શાબ્દીક બોલાચાલી
પાટણમાં ગ્રેડ - પે સહિત વિવિધ માંગણીઓને લઇને પોલીસ પરીવારની મહિલાઓ દ્વારા રેલી યોજી બગવાડા ચોક ખાતે થાળી વેલણ વગાડી ઘંટરાવ કર્યો હતો. જે બનાવનાં ઉગ્ર પ્રત્યાઘાતો પડતા મહિલાઓના કેટલાક પતિ પોલીસ કર્મચારીઓને DySP સોનારાએ લેખીત જવાબો માટે બોલાવ્યા હતા. આ સમયે પોલીસ કર્મચારીઓ અને હેડ કવાર્ટર DySP સોનારા વચ્ચે શાબ્દીક બોલાચાલી સાથે અસભ્ય વર્તન કરવામાં આવ્યું હતું. જેની જાણ પાટણ પોલીસબેડામાં થતાં રોષે ભરાયેલા પોલીસ કર્મચારીઓ DySP સોનારાની આ ગેરવર્તણૂક સામે DSP કચેરી ખાતે ધરણા પર ઉતર્યા હતા.
જિલ્લા પોલીસ અધિક્ષકે સમજાવટથી મામલો થાળે પાડ્યો
શહેરમાં પોલીસ - પોલીસ વચ્ચે જ ઘર્ષણ પેદા થાય તેવી પરિસ્થિતિ નિર્માણ થઇ હતી. જો કે સરકારી કામથી બહાર ગયેલા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાને આ બનાવની જાણ થતાં તેઓ તાત્કાલિક પાટણ દોડી આવ્યા હતા અને ધરણા પર બેઠેલા પોલીસ કર્મચારીઓ સાથે પરામર્શ કરી DySPએ તેઓની સાથે કરેલા ગેરવર્તણૂકની માહિતી મેળવી આ સમગ્ર બનાવ મામલે DG સમક્ષ રજૂઆત કરવાની ખાતરી આપતા અંદાજે 50 થી 60 જેટલા પોલીસ કર્મચારીઓએ ધરણા આટોપી લીધા હતા.
આ પણ વાંચો: