- વૃદ્ધને વાતોમાં ભોળવી પૈસાની ચોરી કરતી ટોળકીને પાટણ પોલીસે ઝડપી
- પાટણમાં આ ટોળકીએ વૃદ્ધ ખેડૂતને ભોળવી 32 હજારની કરી હતી ચોરી
- પાટણ પોલીસે ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલ્યો
- ચોરીનો મુદ્દામાલ પોલીસે રિકવર કર્યો
પાટણ: તાલુકાના નાના રામણદા ગામે રહેતા કાળુભાઈ લાલાભાઇ પટણી ગઈ તા.12મી માર્ચના રોજ પાટણના નવા ગંજ બજારમાં આવેલી એક વેપારી પેઢીમાં રાયડો વેચવા માટે ગયા હતા અને રાયડો વેચીને રૂપિયા 32 હજારની રકમ લઈને તેઓ પોતાના સંબંધીના ઘરે જવા માટે ગંજ બજાર બહાર રેલવે ગરનાળા પાસેથી એક પેસેન્જર રિક્ષામાં બેઠા હતા. પેસેન્જર રિક્ષામાં અગાઉથી ત્રણ વ્યક્તિઓ બેઠેલા હતા, ત્યારે રિક્ષામાં પ્રવાસના સ્વાંગમાં બેઠેલી મહિલાએ વૃદ્ધને વાતોમાં ભોળવી બાજુમાં બેઠેલા શખ્સે સિફત પૂર્વક વૃદ્ધના ખિસ્સામાંથી 32000ની રકમ કાઢી લીધી હતી. ત્યારબાદ રિક્ષાચાલકે અન્ય પ્રવાસીને બેસતાં ફાવતું ન હોવાનું જણાવી વૃદ્ધને આગળ રસ્તામાં ઉતારી દીધો હતો. ત્યારબાદ કાળુભાઈએ પોતાના ખિસ્સા તપાસતાં ખબર પડી કે પૈસાની ચોરી થઈ છે. તેથી તેઓએ પાટણ બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ચોરીનો ભેદ ઉકેલવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.
આ પણ વાંચો: રાજકોટ નજીક મંદિરની દાનપેટી ચોરી કરી ચોર ફરાર, ઘટના CCTV ફૂટેજ સામે આવ્યા
આ ટોળકીએ વધુ 14 ગુનાઓની કરી કબૂલાત
બાતમીના આધારે મહિલા સહિત અન્ય બે શખ્સોને કલોલમાંથી ઝડપી લઇ તેઓની સઘન પૂછપરછ કરતાં આ ટોળકીએ રિક્ષામાંથી કાળુભાઈના ખિસ્સામાંથી પૈસા કાઢી લીધા હોવાની કબૂલાત કરતાં ચોરીમાં ગયેલા મુદ્દામાલ પોલીસે રિકવર કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: વડોદરામાં પ્રવાસીઓને ખાદ્યપદાર્થ ખવડાવી ચોરી કરતી ગેંગની રાજસ્થાનથી ધરપકડ
પાટણ સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં ચોરીને અંજામ આપતી ટોળકી ઝડપાઈ
પેસેન્જર રિક્ષામાં પ્રવાસીને બેસાડી વાતોમાં ભોળવી પૈસાની ચોરી કરતી ગેંગની પાટણ પોલીસે સઘન પૂછપરછ કરતાં આ ટોળકીએ પાટણ, અમદાવાદ, સુરેન્દ્રનગર અને મહેસાણા જિલ્લામાંથી આ રીતે 14 વ્યક્તિઓને શિકાર બનાવી તેઓના ખિસ્સામાંથી પૈસા કાઢી લીધા હોવાની કબુલાત કરતાં પોલીસે મુદ્દામાલ રિકવર કરવાની અને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.