પાટણ: શહેરના રતનપોર વિસ્તારમાં નવીન મકાનની કામગીરી દરમિયાન મકાનની દિવાલ એકાએક ધરાશાયી થતા બે મજૂરો દટાયા હતા. જેમાં ગંભીર ઇજાઓને કારણે એક શ્રમિકનું મોત થતા અરેરાટી વ્યાપી હતી. અન્ય એક શ્રમિકોને વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
દિવાલ ધરાશાયી: પાટણ શહેરના રતનપોળ વિસ્તારમાં આવેલ વસંત પંચમીના પાડામાં રહેતા શંકરભાઈ પટેલનું નવીન મકાન બનાવવાની કામગીરી ચાલી રહી હતી. આજે બપોરના સુમારે શ્રમિકો કામ કરી રહ્યા હતા તે દરમિયાન મકાનની દિવાલ એકાએક ધરાશાયી થતા. મહલ્લામાં દોડધામ મચી જવા પામી હતી. આ દિવાલના કાટમાળ નીચે બે મજૂરો દટાયા હતા.
એક વ્યક્તિનું મોત: ઘટનાને પગલે મકાન માલિક સહિત આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને કાટમાળ નીચેથી મજૂરોને બહાર કાઢ્યા હતા. 108 મારફતે સારવાર અર્થે પાટણ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ફરજ પરના તબીબે રમેશભાઈ પરમારને મૃત જાહેર કરતા પરિવારજનોમાં શોકની કાલીમા છવાઈ હતી. અન્ય એક શ્રમિકને ગંભીર ઇજાઓ થતા તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો.
'વસંત પંચમીના પાડામાં નવીન મકાનની કામગીરી દરમિયાન મજૂરો જમીન પર નીચે લોંખડના સેન્ટીંગનું કામ કરી રહ્યા હતા અને અન્ય બે મજૂર દીવાલ કોચવાનું કામ કરી રહ્યા હતા. તે દરમિયાન દિવાલ એકાએક ધરશાયી થતા કામ કરી રહેલ બે મજૂરો દટાયા હતા. જેઓને સારવાર છે તાત્કાલિક ચીલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે રમેશભાઈ પરમાર નામના વ્યક્તિને મૃત જાહેર કર્યા હતા. અન્ય એક મજૂરને તેને ખાનગી હોસ્પિટલમાં રીફર કરાયો છે. હાલમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.' -વી.જે પરમાર, પીએસઆઇ, પાટણ એ ડિવિઝન
પરિવારજનોમાં શોક: ઘટનાની જાણ શ્રમિકના પરિવારજનોને થતા તેઓ તાત્કાલિક પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. રમેશભાઈ પરમારનું મોત થયાનું જાણતા પરિવારજનોમાં શોકની કાલીમાં છવાઈ હતી. આ અંગે પાટણ ડિવિઝન પોલીસને જાણ કરાતા પોલીસે ઘટના સ્થળે પહોંચી પંચનામુ કરી અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.