પાટણઃ હેમચંદ્રાચાર્ય યુનિ.ના વિદ્યાર્થીઓ હવે સ્થાપત્ય ક્ષેત્રે આગળ વધી શકશે અને ડુંગરોમાંથી નીકળતા પથ્થરોનો વિશિષ્ટ અભ્યાસ કરી શકશે. આ માટે યુનિવર્સિટીના ઈન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેકચર અને સ્ટોન આર્ટિઝન પાર્ક ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટ, નોડલ યુનિટ, ગુજરાત(સાપ્તિ) સંસ્થા વચ્ચે એમઓયુ થયા છે. હવે વિદ્યાર્થીઓ ફ્રીમાં ડિપ્લોમા કોર્ષ કરી આ ક્ષેત્રે આગળ વધી શકશે.
સાપ્તિ સંસ્થાઃ સાપ્તિ સંસ્થા ગુજરાત સરકારની પહેલ છે. જેમાં વિદ્યાર્થીઓને શિલ્પકળા અને પથ્થરના વિશિષ્ટ અભ્યાસમાં કુશળ બનાવવામાં આવે છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં ધાંગધ્રા તથા અંબાજી એમ બે સ્થળોએ આ સંસ્થા આવેલી છે. તેથી પાટણની નજીક એવા અંબાજી ખાતેની સાપ્તિ સંસ્થા સાથે H.N.G. યુનિવર્સિટીએ એમઓયુ કર્યા છે.
વિદ્યાર્થીઓને મળી રહેશે રોજગારઃ આર્કિટેકચરના વિદ્યાર્થીઓ માટે પથ્થરોનું વિશિષ્ટ જ્ઞાન હોવું અતિ આવશ્યક છે. આ વિશિષ્ટ જ્ઞાનને પરિણામે તેઓ સ્ટોન કાર્વિંગ અને સ્ટોન પ્રોસેસિંગમાં નિષ્ણાત બની શકે છે. વિદ્યાર્થીઓમાં શિલ્પકળા અને પથ્થરના વિશિષ્ટ અભ્યાસની સમજ વિકસે તે માટે આ એમઓયુ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ આ ડિપ્લોમાનો કોર્ષ કરીને રોજગારી પણ મેળવી શકે છે. આ ડિપ્લોમામાં અંબાજીના ડુંગરોમાં મળતા પથ્થરોનું પોલિશિંગ, પથ્થરો કઈ રીતે માર્કેટ સુધી પહોંચે છે તેમજ સ્ટોન કાર્વિંગ (સ્થાપત્યકળા)ના અભ્યાસક્રમોનો સમાવેશ થાય છે.
આપણા ઐતિહાસિક વારસા માટે વિદ્યાર્થીઓ જાગૃત થાય તે માટે આ એમઓયુ કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ ફ્રીમાં ડિપ્લોમા કોર્સ કરી શકશે અને સ્વનિર્ભર થઈ શકે છે...ડૉ. રોહિત દેસાઈ(કુલપતિ, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ)