પાટણ : પાટણમાં એક ખેડૂતે પોતાના ખેતરમાં કેળાંની સફળ ખેતી કરી સારી ઉપજ મેળવી અન્ય ખેડૂતોને પ્રેરણા આપી રહ્યા છે. આ ખેતીમાં ખેડૂત દંપતિ પોતે જ મહેનત કરી કેળાના છોડની માવજત કરી કેળાનો પાક લઈ રહ્યા છે. પાટણમાં આ પ્રકારની કેળાંની પ્રથમ ખેતી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
પાટણની જમીન અને વાતાવરણનો ફરક પાટણ સહિત ઉત્તર ગુજરાતની જમીન, આબોહવા તેમજ બાયોડાયવર્સીસને કારણે ખેતીમાં મોટાભાગે એરંડા, કપાસ, કઠોળ, ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, રાયડો અને ઘાસચારાનું મુખ્યત્વે વાવેતર થાય છે. જોકે સમયના બદલાવની સાથે ખેડૂતો પણ પરંપરાગત ખેતી છોડીને કંઈક નવી ખેતી કરવા માટે પ્રેરાયા છે. અન્ય ખેડૂતોને પરંપરાગત ખેતી ની જગ્યાએ અલગ ખેતી કરવા માટેની પ્રેરણા પણ આપે છે. ત્યારે પાટણમાં કેળાંની ખેતીએ નવો દાખલો સામે મૂક્યો છે.
કેળાની ખેતીનો નિર્ધાર : બળિયાપાડા વિસ્તારમાં રહેતા રમેશભાઈ પટેલ નામના ખેડૂત વર્ષોથી ચાલી આવતી પરંપરાગત ખેતી કરતા હતાં. થોડા વર્ષ પહેલાં જ તેઓએ પોતાના ખેતરમાં કેળાની ખેતી કરવાનો નિર્ધાર કર્યો હતો. તેમણે પોતાના દોઢ વીઘા ખેતરમાં કેળાના છોડ વાવીને તેની માવજત શરૂ કરી હતી અને અંતે તેમની મહેનત રંગ લાવી છે. હાલમાં તેમના ખેતરમાં કેળાનો મબલખ પાક લહેરાઈ રહ્યો છે. આ પાકને તેઓ માર્કેટમાં વેચાણ કરી સારી એવી ઉપજ મેળવી રહ્યા છે. પાટણ પંથકમાં કેળાની ખેતી કરનાર આ પ્રથમ ખેડૂત હોવાનું માનવામાં આવી રહ્યું છે. ત્યારે ખેડૂતની આ મહેનત જોઈને અન્ય ખેડૂતો પણ પ્રેરણા મેળવી રહ્યા છે અને પોતાના ખેતરોમાં અલગ ખેતી કરવા માટે સાહસ કરી રહ્યા છે.
દીકરીએ આપેલો છોડ ખેતરમાં રોપ્યો : કેળાની ખેતી બાબતે ખેડૂત રમેશભાઈએ જણાવ્યું હતું કે તેમની દીકરી દક્ષિણ ગુજરાતમાં પરણાવી છે. થોડા વર્ષો પહેલા તે એક કેળાનો છોડ લઈને પાટણ આવી હતી. દીકરીએ તેમની જોડે વાતચીત કરી હતી કે દક્ષિણ ગુજરાતમાં કેળાની ખૂબ જ મોટા પ્રમાણમાં ખેતી થાય છે પરંતુ મારે ઘેર કેળાં થતા નથી એટલે આ છોડ અહીં લઈને આવી છું. ત્યારે દીકરીએ લાવેલા છોડને ખેડૂત પિતાએ ઉત્સુકતાથી લઈ તેમની સૂઝબૂઝથી પોતાના ખેતરમાં આ છોડને રોપ્યો હતો. પોતાની મહેનત અને કુદરતી આબોહવા તેમજ મીઠું પાણી મળી રહેતા કેળનો છોડ પાંગર્યો હતો.
કેળાંના 30 છોડ વાવ્યાં : રમેશભાઈએ દીકરીએ આપેલા કેળાંના છોડના ઉછેરમાં સફળતાં મળતાં પ્રોત્સાહિત થયાં અને પછી તો તેમણે એક છોડમાંથી બીજો છોડ રોપ્યો. સતત મહેનત, ધીરજ અને વિશ્વાસપૂર્વક કરેલ ખેતીમાં આજે તેઓએ 30 જેટલા છોડ ખેતરમાં ઊભા કર્યા છે અને એક છોડ ઉપર કેળાની એક લૂમ આવે છે જે તેમને સંતોષકારક આવક રળી આપે છે. ખેડૂત દંપતિ પોતાનું સ્વાસ્થ્ય ઊર્જાવંત બની રહે તે માટે જાતે જ ખેતરમાં સવાર સાંજ બેથી ત્રણ કલાક મહેનત કરે છે અને તેમની જમીન સાથેનો લગાવ ખેતી કરીને પૂર્ણ કરે છે.
કેળમાં જીવાત થતી નથી : કેળના છોડની માવજતમાં માત્ર કેળના પાન જો પીળા પડી ગયા હોય તો એને કાઢી નાખવામાં આવે છે અને એની સંભાળ રાખવામાં આવે છે. બને ત્યાં સુધી કેળમાં જીવાતો પડતી નથી તેથી આ પાકમાં જંતુનાશક દવાનો ઉપયોગ પણ થતો નથી. માત્ર મીઠું પાણી અને યોગ્ય માવજત કરવામાં આવે તો સારા એવા પ્રમાણમાં ઉત્પાદન મળી રહે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ખેડૂતે રાજ્ય સરકારના કૃષિ વિભાગ કે ખેડૂતોને અપાતી અન્ય કોઈપણ સહાયનો લાભ લીધો નથી અને પોતાના સ્વબળે જ કેળાંની ખેતી કરી કેળાને બજારમાં વેચાણ કરે છે.
કેળાંની ખેતીની માવજત : રમેશભાઈ પટેલની કેળાંની સફળ ખેતીમાં તેમના પત્ની મંજુલાબેન પણ એવા જ સહભાગી બન્યા છે. તેઓ પતિની સાથે ખેતીના કામમાં ખભેખભો મિલાવી રોજ સવાર અને સાંજે નિયમિત રીતે ખેતરમાં આવી કેળાના છોડની માવજત કરે છે. કેળાંના છોડની આસપાસ ઉગેલા વધારાના ઘાસચારાનું નિંદામણ કરી દૂર કરે છે. કેળાના પાન પીળાં પડ્યા હોય તો તેને દૂર કરીને છોડને કોહવાતો બચાવે છે. આમ પાટણના સાહસી અને ઉત્સાહી ખેડૂતે પોતાના ખેતરમાં કરેલી કેળાંની સફળ ખેતી પાટણ શહેર સહિત પંથકના અન્ય ખેડૂતોને પ્રેરણા આપે છે.