પાટણ : વર્તમાન સમયમાં મોબાઇલ, ટીવી સિરિયલો અને પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણ કરવામાં શુભપ્રસંગોએ શાનદાર કાર્યક્રમો આયોજિત કરવામાં આવે છે. જેમાં ખૂબ મોટો ખર્ચો પણ થતો હોય છે. ત્યારે માતાપિતા આવા ખર્ચ કરવા સક્ષમ ન હોવા છતાં સમાજની શરમે કરવું પડતું હોય છે. આવી ભીતિ હવેથી પાટણ મહેસાણાની બેંતાળીસ લેઉવા પાટીદાર સમાજમાં ન રહે તેનો તખ્તો રચાઇ ચૂક્યો છે.જે માટે પાટીદાર સમાજની મહિલાઓનું સંમેલન મળી રહ્યું છે.
ખોટા ખર્ચા બંધ : સામાજિક શુભ અશુભ પ્રસંગોમાં બેફામ ખર્ચાઓ નાબૂદ કરવા બેતાલીસ લેઉવા પાટીદાર સમાજની મહિલાઓ આગળ આવી છે. લગ્ન પ્રસંગમાં પ્રીવેડિંગ ફોટોશૂટ, હલ્દી રસમ, રિસેેપ્શન, બેબી શાવર સહિતની ખર્ચાળ પ્રથાઓ સહિતના કુરિવાજો દૂર કરવા માટે સમાજની મહિલાઓએ પાટણ અને મહેસાણા જિલ્લાના 53 ગામોમાં રાત્રિ સભાઓ યોજી સમાજના વડીલો તેમજ દીકરા દીકરીઓને આવા ખર્ચાઓ ન કરવા માટે સમજાવ્યાં છે. જેનો અમલ શરુ કરવા 28મેએ પાટણમાં પાટીદાર સમાજની મહિલાઓનું સંમેલન મળશે અને 65 વર્ષ બાદ બનતાં નવા બંધારણને મંજૂરી આપવામાં આવશે.
42 લેઉવા પાટીદાર સમાજમાં 95 ટકા લોકો માધ્યમ વર્ગના છે. તેઓ લગ્ન પ્રસંગમાં સુખી સંપન્ન લોકો જેવા ખર્ચાઓ કરી શકતા નથી. લગ્ન પ્રસંગમાં આપવા મેલવાના રિવાજમાં પારિવારિક ભાવનાઓ ઘટે છે. માટે સમાજમાંથી થતા આવા ખોટા ખર્ચાઓ બંધ કરવા માટેનું અભિયાન હાથ ધાર્યું છે. અનિતાબેન પટેલ (બેતાલીસ લેઉવા પાટીદાર સમાજ)
મહિલા સંમેલનને આવકાર : બેતાલીસ લેઉવા પાટીદાર સમાજની મહિલાઓના પ્રયાસને દરેક ગામોમાંથી સમાજના લોકો સહયોગ આપી રહ્યા છે. ત્યારે 28મેએ પાટણમાં 3000 હજારથી વધુ મહિલાઓ સંમેલનમાં ઉપસ્થિત રહી ખોટા ખર્ચાઓ, રીવાજોને તિલાંજલિ આપવાની મંજૂરી આપશે. આ પાટીદાર સમાજની મહિલાઓનું સંમેલનમાં ઉત્તર ગુજરાત સહિત વડોદરા,અમદાવાદ,સુરત,અંકલેશ્વર,કચ્છ,રાજકોટ અને મુંબઈ ખાતે રહેતી મહિલાઓ કુરિવાજો બંધ કરવાના સામૂહિક શપથ પણ લેશે.
સમાજમાં શુભ પ્રસંગો તેમ જ અશુભ પ્રસંગોમાં થતા ખોટા ખર્ચાઓને કારણે આજની પેઢીને નુકસાન જાય છે. આવા ખોટા ખર્ચાઓ બંધ કરી તેનો ઉપયોગ દીકરા દીકરીના શિક્ષણ અને સમાજના ઉત્થાન માટે કરવામાં આવે તે હેતુથી દેખાદેખીના આવા ખોટા ખર્ચાઓ બંધ કરવા માટે પ્રયાસ હાથ ધર્યો છે...મધુબેન પટેલ (બેતાલીસ લેઉવા પાટીદાર સમાજ)
મહિલાઓનું ભગીરથ કાર્ય : બેતાલીસ લેઉવા પાટીદાર સમાજની મહિલાઓ દ્વારા સમાજ સુધારણાની જે ચળવળ શરૂ કરવામાં આવી છે તે બાબતે પાટણ ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું હતું કે દેખાદેખીના કુરિવાજો દૂર કરવા માટે સમાજની મહિલાઓ દ્વારા એક ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. મહિલાઓએ ગામેગામ જઈ લોકોને રુબરુ વાતો કરી સમજાવ્યા છે.
લેઉવા પાટીદાર સમાજના આ કાર્યથી અન્ય સમાજના લોકોને પણ પ્રેરણા મળશે અને તેઓ પણ આવા ખોટા ખર્ચાઓ કરતા બંધ થશે જેનાથી સમાજને પણ ફાયદો થશે..ડો.કિરીટ પટેલ (ધારાસભ્ય, પાટણ)
મહિલાઓના નિર્ણયને સહકાર અપાશે : પાટીદાર સમાજની મહિલાઓનું સંમેલન મળશે તેમાં સમાજ બંધારણમાં 65 વર્ષ બાદ ક્રાંતિકારી નિર્ણયો લેવાઇ રહ્યાં છે ત્યારે સ્થાનિક પાટીદાર સમાજ અગ્રણી હાર્દિક પટેલે જણાવ્યું હતું કે દેખાદેખીના કુરિવાજો નાબૂદ કરવાનું અભિયાન મહિલાઓ દ્વારા હાથ ધરાયું છે તે પ્રશંસનીય છે. મધ્યમ વર્ગના લોકો માટે આ અભિયાન ઔષધિ સમાન બની રહેશે. મહિલાઓના આ કાર્યમાં સમાજના દરેક લોકો ખભેખભો મિલાવીને તેઓને સહકાર અપાશે.
1958માં બન્યું હતું સમાજ બંધારણ : દરેક સમાજમાં સમયાંતરે રીતરિવાજોમાં ફેરફાર અને બદલાવ થાય છે. ત્યારે વર્ષ 1958માં પાટીદાર સમાજમાં બંધારણ તૈયાર કરાયું હતું, તે રીતે 65 વર્ષ બાદ પ્રથમવાર મહિલાઓ સામાજિક બંધારણ તૈયાર કરશે અને ખોટા અને બિનજરૂરી ખર્ચા બંધ કરવા સામૂહિક સંકલ્પ કરશે.