પાટણ : ઝારખંડના કોંગ્રેસના રાજ્ય સભાના સાંસદ ધીરજ શાહુના ભ્રષ્ટાચાર મુદ્દે આજે પાટણ જિલ્લા ભાજપના આગેવાનો કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. પાટણના બગવાડા દરવાજાએ પાટણ ભાજપ દ્વારા કોંગ્રેસ વિરુદ્ધ સૂત્રોચારો પોકારી દેખાવો કર્યા હતાં.
કોંગ્રેસ ભ્રષ્ટાચારીઓને છાવરે છે. કોંગ્રેસ અને તેના ગઠબંધનના મોટાભાગના નેતાઓ આજે જેલના સળિયા પાછળ છે. કોંગ્રેસે ધીરજ શાહુને બે વાર લોકસભાના ઉમેદવાર અને ત્રણ ટર્મથી રાજ્યસભાના સભ્ય બનાવ્યા છે તેનું કારણ શું છે? તેનો જવાબ કોંગ્રેસે આપવો પડશે. દેશમાંથી જેણે જેણે ભ્રષ્ટાચારરૂપી પૈસાઓ લીધા છે તેઓ પાસેથી પૈસા કઢાવી આ રૂપિયા દેશના હિતમાં વાપરવાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગેરંટી લીધી છે...કે. સી. પટેલ (પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી )
200 કરોડથી વધુની રોકડ પકડાઇ : ઇન્કમટેક્સ વિભાગની 40 ટીમના સભ્યોએ બુધવારે સવારથી ધીરજ શાહુના ધંધાકીય જૂથના બૌધ,બોલાંગીર, રાયગઢ અને ઓરિસ્સાના સબલપુર ઉપરાંત ઝારખંડના રાંચી લોહરદગા અને કોલકત્તાના 10 સ્થળો પર એક સાથે દરોડા પાડ્યા હતાં. જેમાં ઇન્કમટેક્સ વિભાગને 200 કરોડથી વધુની રોકડ મળી આવતા આ તમામ રકમ આવકવેરા વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવી છે. 200 કરોડથી વધુની રોકડ રકમની ગણતરી કરવા માટે મંગાવેલા મશીનો પણ ખરાબ થઈ ગયા છે. અત્યાર સુધીમાં દેશમાં સૌથી મોટી આઇટી રેડ અને રોકડ રકમ પકડાઈ હોવાનું મનાય છે.
કોંગ્રેસ સામે દેખાવો : સાંસદના આ ભ્રષ્ટાચારના વિરોધમાં આજે પાટણ જિલ્લા ભાજપના આગેવાનો કાર્યકરો દ્વારા શહેરના બગવાડા દરવાજા ખાતે મોટી સંખ્યામાં એકત્ર થઈ રેલી યોજવામાં આવી હતી. જેમાં જિલ્લા ભાજપના આગેવાનો કાર્યકરો હાથમાં વિવિધ બ્લેક કાર્ડ અને બેનરો સાથે રેલીમાં જોડાયા હતાં. કાર્યકરોએ કોંગ્રેસનો હાથ ભ્રષ્ટાચારને સાથ સાથેના નારા લગાવી રાહુલ ગાંધી અને ભ્રષ્ટાચારી સાંસદના વિરોધમાં સૂત્રચારો પોકારી દેખાવો કર્યા હતાં.