પાટણ: 3 એપ્રિલના રોજ જિલ્લાના સિદ્ધપુર શહેરમાં આવેલી તમન્ના સોસાયટીમાં પ્રથમ કોરોના પોઝિટિવ કેસ પ્રકાશમાં આવ્યો હતો. જેને લઇ જિલ્લા વહીવટી તંત્ર સહિત આરોગ્ય વિભાગ દોડતું થયું હતું અને માત્ર ચાર દિવસના ટૂંકાગાળામાં વાઇરસના સંક્રમણનો પ્રસાર રફતારથી વધતા સિધ્ધપુર તાલુકાના નેત્રા ગામમાં 7 એપ્રિલે એક જ પરિવારના 7 સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
આ અંગે તકેદારીના ભાગરૂપે સમગ્ર નેત્રા ગામને સીલ કરવામાં આવ્યું હતું. ગામમાં બહારનું કોઇ પણ વ્યક્તિ પ્રવેશે નહીં તે માટે ગામ ફરતે નાકાબંધી કરવામાં આવી હતી, ત્યારે તાજેતરમાં ધારપુર હોસ્પિટલમાં એક પછી એક દર્દીએ કોરોનાને માત આપી હતી, ત્યારે નેત્રા ગામમાં સંક્રમણ નિયંત્રણમાં આવતા સરકારની ગાઈડલાઈન મુજબ 30 દિવસ બાદ નેત્રા ગામને કલસ્ટર કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યું છે.
પાટણ જિલ્લાના અધિકારીઓએ શનિવારે નેત્રા ગામની મુલાકાત લીધી હતી અને ગામના લોકોને કોરોના ભયમાંથી મુક્ત રહેવા અને પ્રોત્સાહિત કરવા માટે સરકારે જાહેર કરેલી ગાઈડલાઈને અનુસરવા માટે અપીલ કરી હતી. જિલ્લા કલેકટર આનંદ પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષર રાજ મકવાણા તેમજ જિલ્લા વિકાસ અધિકારીના હસ્તાક્ષર સાથેનું આભારદર્શન પત્ર પાઠવી પ્રાંત અધિકારીએ 28 દિવસ સુધી ધીરજ અને ભાઇચારાની મિશાલ બની એકસંપ થઈ ગામ લોકોએ કોરોનાને માત આપતા સમસ્ત ગામ લોકોની પ્રશંસા કરી
નેત્રા ગામના 600 પરિવાર સિવાય અન્ય વ્યક્તિને ગામમાં પ્રવેશ કરવા દેવા પર હજી પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે અને કોઈ પણ પરિવારના ઘરે મહેમાનોને ન આવવા દેવા માટે અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત સિદ્ધપુરની તમન્ના સોસાયટીને પણ સરકારની ગાઈડલાઈન મુજબ હોટસ્પોટમાંથી મુક્ત કરવામાં આવી છે.