પાટણ : નવરાત્રીમાં ગરબાનો માહોલ ચારે તરફ રંગીન બની રહ્યો છે. જોત જોતામાં શક્તિના મહાપર્વની નવલી નોરતાની ત્રણ રાત્રી પસાર થઈ જતા યુવાન ખેલૈયાઓ બાકીની રાત્રીનો ભરપૂર આનંદ ઉઠાવવા થનગની રહ્યા છે. રોજે રોજ અવનવા ડ્રેસ અને વિવિધ આકર્ષણ સાથે ખેલૈયાઓ ગરબે ઘૂમવાનો આનંદ ઉઠાવી રહ્યા છે. નવરાત્રીના ગરબાની નવરંગે મઢેલી રાતોની રંગત હવે રંગીન બનતી હોય તેવો માહોલ સમગ્ર શહેરમાં જોવા મળી રહ્યો છે. પાટણમાં શક્તિનું મહાપર્વ સર્વત્ર રંગીન જોવા મળી રહ્યું છે.
ખેલૈયાઓમાં અનેરો થનગનાટ : પાટણ શહેરમાં રમઝટ અને ખેલૈયાઓના ઉત્સાહ સાથે શેરી ગરબાઓમાં અને ક્લબોમાં ગરબાની રમઝટ ત્રીજા દિવસે જોવા મળી હતી. હંસાપુર ખાતે આવેલ ખોડાભા હોલમાં જીવદયા પરિવાર દ્વારા આયોજિત હેરિટેજ ગરબા નાઈટમા ખેલૈયાઓ ઉત્સાહભેર હિન્દી અને ગુજરાતી ગીતો ઉપર ઓરકેસ્ટ્રાના તાલે ગરબાની રમઝટ જમાવી રહ્યા છે. ટ્રેડિશનલ કપડાઓમાં સજજ થયેલા ખેલૈયાઓ કલાકારોના મુખેથી ગવાયેલા ગરબા ઉપર ઉત્સાહભેર અવનવી સ્ટાઈલમાં ગરબે ઘુમતા સમગ્ર ગ્રાઉન્ડ ગુંજી ઉઠ્યું હતું. હેરિટેજ ગરબાના આયોજનમાં ગુજરાતી લોકગાયક વિજય નાયકે ગરબાની ઘુમ મચાવી હતી.
તમામ ભક્તો ભક્તિમાં લિન થઇને રમતા હતા : આ ઉપરાંત મહિલાઓએ વિવિધ ટ્રેડિશનલ પહેરવેશમાં સજ્જ થઈ ગરબે ઘૂમી માની અસરાધના કરી હતી, તો બીજી તરફ નાનાં બાળકો પણ સંગીતના તાલે અવનવા સ્ટેપ સાથે મોટેરાઓની સાથે ગરબે રમવાની મોજ માણી હતી. પાર્ટી પ્લોટમાં પણ આધુનિક સ્ટાઇલના ગરબામાં દેશી પદ્ધતિથી ખેલૈયાઓ ગરબે રમાતા જોવા મળ્યા હતા.