પાટણ : પાટણની સંસ્કૃતિ અને તેના ઇતિહાસ વિશે ઘણું લખાયું છે. રાણકી વાવ હોય કે પટોળા, પાટણને વિશ્વફલક પર સ્થાન રાખવા માટે આ બંનેનું માત્ર નામ જ કાફી છે. જિલ્લામાં પ્રવાસન ક્ષેત્રે હવે દિવસેને દિવસે વધારો થતો જાય છે. ખાસ કરીને સરસ્વતીના ચોરમારપુરા ગામે વિકસિત થયેલું રીજીયોનલ સાયન્સ સેન્ટર પાટણની શાનમાં મોરપીંછ સમાન સાબિત થતું જાય છે. આપણે સૌએ પાટણ વિશે ઘણું સાંભળ્યું છે, પરંતુ આપણે જો પાટણ વિશેની તમામ માહિતી એક જ છત નીચે એક જ જગ્યાએ મળી જાય તેવું સ્થળ રાણીની વાવ રોડ પર મ્યુઝિયમના નામે ઓળખાય છે. મ્યુઝિયમમાં અનેક મૂર્તિઓ, શિલાલેખો અને તામ્રપત્રો સંગ્રહાયેલા છે. જે વિશેષ આકર્ષણ જમાવે છે.
પ્રાકૃતિક વાતાવરણ : પાટણ મ્યુઝીયમમાં પ્રવેશ કરતાની સાથે જ અહીંના પ્રાકૃતિક વાતાવરણના દર્શન થાય છે. વાતાવરણની અંદર રહેલી સકારાત્મકતા અહીં આવનારનું મન મોહી લે છે. અહીં આવતા દરેક લોકોને એવું જ થાય છે કે કલાકોના કલાકો સુધી અહીં બેસી રહીએ. અહીના પ્રાકૃતિક વાતાવરણની વચ્ચે આવતા પક્ષીઓના કલરવને માણીએ. શહેરની ઝાકમઝાળ અને શોર-બકોરથી દુર આવેલું પાટણનું મ્યુઝિયમ ખરેખર અહીં આવનારને એક અલગ જ દુનિયામાં લઈ જાય છે.
મ્યુઝીયમની અંદર શું છે : મ્યુઝીયમની અંદર પ્રવેશ કરતાની સાથે જ ચારેય બાજુ સદીઓ જૂની મૂર્તિઓ દ્રશ્યમાન થાય છે. ગણેશ ભગવાનની મૂર્તિ ઉપરાંત અનેક જૂની પુરાની મૂર્તિઓને ખૂબ કાળજીપૂર્વક સાચવીને મ્યુઝિયમમાં રાખવામાં આવી છે. મ્યુઝીયમની અંદર બે વિશાળ ઓરડા આવેલા છે. આ ઓરડાઓમાંથી એક ઓરડામાં પાટણ અને ગુજરાત વિશે માહિતી મળી જાય છે. બાદમાં પાટણની આન, બાન અને શાન સમાન રાણકી વાવની પ્રતિકૃતિ દ્રશ્યમાન થાય છે. મ્યુઝિયમમાં જેમ-જેમ આગળ વધીએ એમ એમ પ્રવાસીઓને પરમ શાંતિનો અનુભવ થાય છે.
નકશીકામથી મન પ્રફુલ્લિત : જાણે 13મી 14મી સદીમાં જતા રહ્યા હોય એવો અનુભવ થાય છે. દરેક મુર્તિઓનું નકશીકામ જોઈને મન પ્રફુલ્લિત થઈ ઊઠે છે. ઓરડામાં 13મી સદીની શિવ મૂર્તિ, કુબેર અને ઈન્દ્રની 13-14મી સદીની મૂર્તિ, માટીકળાના નમુના, પાટણની ઓળખ સમાન બિંદુસરોવરની તસ્વીર અને તેના વિશેની ઉંડાણપૂર્વકની માહિતી ગુજરાતી અને ઉર્દુ ભાષાના શિલાલેખો, તામ્રપત્રો, પાટણનો કિલ્લો વગેરે અનેક અદભૂત કામો જોવા મળે છે. મ્યુઝીયમમાં મશરૂના કાપડ અને પાટણના પટોળાઓ પણ અહીં જોવા મળે છે. ગેલેરીમાં વિવિધ ઘટનાઓ લાઈવ જોવા મળે છે. તેમજ મ્યુઝીયમમાં આવેલા બીજા ઓરડામાં ડાયરોમાં ગેલેરી બનાવવામાં આવી છે.
આ પણ વાંચો : Geological Museum: કચ્છ યુનિવર્સિટી પાસે છે કરોડોની કિંમતના હાડપિંજર ધરાવતું જીઓલોજિકલ મ્યુઝીયમ, જાણો વિશેષતા
લાઈવ ઘટનાઓ નિહાળવા મળે : આ એક એવી ગેલેરી છે કે જેમાં વિવિધ ઘટનાઓ લાઈવ નિહાળવા મળે છે. અદભૂત રચનાઓ ધરાવતી આ ડાયરોમાં ગેલેરીમાં જૈનાચાર્ય હેમચંદ્રસુરી દ્વારા કુમારપાળ મહારાજાને કલ્પસૂત્રનું પ્રથમ વાંચન શ્રવણ કરાવવું, વાદળની ગડગડાટી, વીજળીના ચમકારા વડનગરની બે બહેનો તાનારીરીનો મેઘ મલ્હાર રાગ આલાપ લાઈવ સાંભળવા મળે છે. તેની બાજુમાં પ્રવાસીઓને સિધ્ધપુરના બિંદુ સરોવરની ઉત્પતિની ઝાંખી દર્શાવાઇ છે. જેમાં ભગવાન કપિલ મુનિ અને તેમના માતા દેવહુતિના દર્શન થાય છે.
આ પણ વાંચો : વડાપ્રધાન મોદીનો ટી સ્ટોલ મૂકાશે મ્યુઝિયમમાં
પાટણની મુલાકાત યાદગાર બનાવો : પાટણ મ્યુઝિયમના ક્યૂરેટર મહેન્દ્રસિંહ સુરેલા જણાવ્યું કે, પાટણના મ્યુઝિયમ વર્ષ 2010માં કાર્યરત કરવામાં આવ્યું છે. આ મ્યુઝિયમમાં પાટણ અને ગુજરાતના ઇતિહાસની જાણકારી રાખવામાં આવી છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ, શાળાના વિદ્યાર્થીઓ તેમજ રિસર્ચમાં રુચિ ધરાવતા લોકો આ મ્યુઝિયમની મુલાકાત લઈ રહ્યા છે. જે લોકોએઆ મ્યુઝિયમની હજુ સુધી મુલાકાત ના લીધી હોય તેવા લોકોએ આ મ્યુઝિયમની અચૂક મુલાકાત લેવી જોઈએ. ખાસ કરીને વેકેશનમાં વિદ્યાર્થીઓએ પાટણની મુલાકાત લઈ રજાઓના દિવસોને યાદગાર બનાવવા જોઈએ.