પાટણ: હારીજ તાલુકાના માલસુંદ ગામમાં પરિણીત મહિલા સાથે પ્રેમ સંબંધ મામલે સાત વર્ષની સજા કાપીને છ વર્ષ અગાઉ છૂટેલા પ્રેમીની પરિણીત મહિલાના બે પુત્રો અને પતિએ હત્યા કરી ફરાર થઈ ગયા હતા. જેને લઈને ગામમાં ચકચાર મચી જવા પામી હતી. બનાવને લઈને પાટણ પોલીસે આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરી અલગ અલગ ટીમ બનાવી ગણતરીના કલાકોમાં જ હત્યાને અંજામ આપનાર ત્રણેય આરોપીઓને ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી છે.
પરણિત મહિલા સાથે પ્રેમ સંબંધ: હારીજ તાલુકાના માલસુંદ ગામે રહેતા જ્યંતીજી ઠાકોર નામના યુવકને ગામની જ એક પરિણીત મહિલા સાથે પ્રેમ સંબંધ હતો. જે અંગેની જાણ પરણીતાના પતિ સહિત પરિવારજનોને થઈ હતી. પરિણીતાના અનૈતિક સંબંધો મામલે પરિવારના સભ્યોએ પરણીતા પાસે જયંતીજી ઠાકોર વિરુદ્ધ વર્ષ 2011માં હારીજ પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.
લોકો દોડી આવ્યા: અંગેનો કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે વર્ષ 2012 માં જયંતીજી ઠાકોરને દોષિત ઠેરવી 7 વર્ષની સજા ફટકારી હતી. જેલમાં 7 વર્ષની સજા ભોગવ્યા બાદ વર્ષ 2017 માં જયંતિજી ઠાકોર બહાર આવ્યો હતો. પરિણીત મહિલાના બે પુત્રો અને પતિએ તેનું કાસણ કાઢી નાખવાની ફિરાકમાં હતા. સાંજના સુમારે જયંતિજી ઠાકોર પરિણીત મહિલાના પતિએ ભટકાયો હતો. બંને વચ્ચે બોલા ચાલી થઇ હતી.
પરિવારજનોમાં ભારે શોક: ઉશ્કેરાઈ જઈને વિષ્ણુજી ઠાકોરે પોતાના હાથમાં રહેલું ધારદાર હથિયાર માર્યું હતું. પરણિત પ્રેમિકાના બે પુત્રો પણ દોડી આવ્યા હતા. ધારદાર હથિયાર વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી. ઘટનાને પગલે જયંતીજી ઠાકોરના પરિવારજનો અને ગામ લોકો દોડી આવ્યા હતા. સારવાર અર્થે તેને ધારપુર હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરતા પરિવારજનોમાં ભારે શોક છવાઈ ગયો હતો.
પોલીસે ત્રણને પકડ્યા: મૃતક જયંતિજી ઠાકોરના ભાઈ રમેશ ઠાકોરે આ અંગે હારિજ પોલીસ મથકે જીગર જીવણજી ઠાકોર, સચિન જીવણજી ઠાકોર અને વિષ્ણુજી ચતુર્જી ઠાકોર સામે ફરિયાદ નોંધાવી હતી. મૃતકના ભાઈની ફરિયાદને આધારે આરોપીઓને ઝડપી લેવા માટે પાટણ જિલ્લા પોલીસ વડાની સૂચનાથી અલગ અલગ ટીમ બનાવી આરોપીઓને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા હતા. પાટણ એલસીબી પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યાને અંજામ આપનાર ત્રણ આરોપીઓને ઝડપી લઈ ગુનામાં ઉપયોગી હથિયાર જપ્ત કર્યા છે.