- રેમડીસીવર ઇન્જેક્શનની ફાળવણી માટે વહીવટી તંત્રએ કરી ફેરબદલ
- આરોગ્યની ટીમ ખાનગી હોસ્પિટલોમાં રૂબરૂ જઈને ઇન્જેક્શનો પહોંચાડે છે
- આરોગ્યની 7 ટીમો દ્વારા ખાનગી હોસ્પિટલોમાં કરાય છે વિતરણ
પાટણ: શહેર-જિલ્લામાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરતી ખાનગી હોસ્પિટલોમાં દાખલ કોરોના ગ્રસ્ત દર્દીઓ ને સરળતાથી રેમડેસીવીર ઈન્જેક્શન મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઓનલાઇન પોર્ટલ બનાવવામાં આવ્યું છે. આ પોર્ટલમાં નોંધાયેલા જે તે હોસ્પિટલના દર્દીની જરૂરિયાત મુજબ ઇન્જેક્શનો તબીબોને ફાળવવામાં આવતા હતા, પરંતુ ઇન્જેક્શનના દુરુપયોગની હકીકત સામે આવતાં વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થામાં ફેરબદલ કરીને હવેથી જે તે ખાનગી હોસ્પિટલોમાં દાખલ દર્દીઓને રૂબરૂ જઈને ઇન્જેક્શન આપવાનું શરૂ કર્યું છે. જેના પગલે પાટણ સિવિલ હોસ્પિટલ ખાતેથી આરોગ્ય કર્મચારીઓની સાત જેટલી ટીમો બનાવી પોલીસ બંદોબસ્ત સાથે માગણી મુજબની હોસ્પિટલોમાં રૂબરૂ જઈને દાખલ દર્દીને ઇન્જેક્શન પહોંચાડવામાં આવી રહ્યા છે અને આરોગ્ય ટીમની હાજરીમાં હોસ્પિટલના સ્ટાફ દ્વારા દર્દીને ઈન્જેકશનનો ડોઝ અપાય છે.
આ પણ વાંચો: સિદ્ધપુર ખાતે 42 બેડની નવી કોવિડ હોસ્પિટલ શરૂ કરાઈ
દર્દીના સંબંધીઓએ કાર્યને સરાહનીય ગણાવ્યું
સમગ્ર રાજ્યમાં રેમડીસીવીર ઇન્જેશનની ભારે અછત સર્જાઈ છે અને એક ઈન્જેક્શન મેળવવા લોકો કલાકો સુધી કતારોમાં ઉભા રહે છે. ત્યારે પાટણમાં જરૂરિયાતવાળા દર્દીઓને સરળતાથી ઇન્જેક્શનો મળી રહ્યા છે. વહીવટી તંત્રની આ વ્યવસ્થા અને સરળતાથી મૂળ કિંમતે જ રેમડેસીવીર ઇન્જેક્શન દર્દીઓને મળતા તેમના પરિવારજનોએ વહીવટી તંત્રની આ કામગીરીને સરાહનીય ગણાવી છે.