પાટણઃ દિવાળી પર્વની હરખભેર ઉજવણી દરેક પરિવારનું સ્વપ્ન હોય છે. સમાજમાં કેટલાક જરુરિયાતમંદ પરિવારો માટે આ સપનું સાકાર કરવું દુર્લભ હોય છે. આ સમયે દાતાઓ, સેવાભાવી સંસ્થાઓ અને એનજીઓ આ પરિવારોના દુર્લભ સ્વપ્નને સાકાર કરવાનું બીડુ ઝડપે છે. પાટણમાં લાયન્સ અને લીયો કલબ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જરુરિયાતમંદ પરિવારોમાં ફટાકડા, મીઠાઈ, રમકડા, ચપ્પલ જેવી અનેક ચીજ વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું છે.
શ્રમજીવી પરિવારોમાં વિતરણઃ પાટણના વિવિધ વિસ્તારોમાં રહેતા અને આર્થિક સંકડામણમાં જીવન ગુજારતા જરુરિયાતમંદ પરિવારોમાં લાયન્સ અને લીયો કલબ દ્વારા દિવાળીને લગતી ચીજવસ્તુઓનું વિતરણ કરાયું. આ કલબના પ્રમુખ અને સભ્યો દ્વારા રુબરુ પરિવારની મુલાકાત લેવામાં આવી હતી. આ પરિવારના સભ્યોને હુંફ અને હૈયાધારણ આપવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન ફટાકડા, મીઠાઈ, રમકડા અને ચપ્પલનું વિતરણ કરવામાં આવ્યું હતું.
દર વર્ષની પરંપરાઃ પાટણમાં લાયન્સ અને લીયો કલબ દ્વારા દર વર્ષે દિવાળી દરમિયાન જરુરિયાત મંદ પરિવારોમાં જીવન જરુરી ચીજ વસ્તુઓને વહેચવામાં આવે છે. આ પરિવારો પણ આપણા સમાજનો એક હિસ્સો છે. તેમણે પણ દિવાળીની યોગ્ય ઉજવણી કરવા મળે તે જરુરી છે. આ બાબતને લાયન્સ અને લીયો કલબ સારી રીતે સમજે છે. આ સમજણને હકીકતનું સ્વરુપ આપવા લાયન્સ અને લીયો કલબ દ્વારા દર વર્ષે આ રીતની કામગીરી કરવામાં આવે છે. આ વર્ષે પણ આ કલબના પ્રમુખ અને સભ્યોએ શ્રમજીવી પરિવારોના ચહેરા પર સ્મિત લાવવાનું સદકાર્ય કર્યુ છે.
પાટણ શહેરમાં દરેક વાર તહેવારોમાં લાયન્સ અને લીયો કલબ દ્વારા આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે. દર વર્ષે દિવાળીના પર્વને અનુલક્ષીને ક્લબના પ્રમુખ અને સભ્યો સૌ ભેગા મળીને આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ કરી ગરીબ અને જરૂરિયાત મંદ લોકોનો સહારો બને છે...મેહુલ પ્રજાપતિ(પ્રમુખ, લીયો કલબ, પાટણ)