સાંતલપુરઃ તાલુકાના પાંચ ગામો સીધાડા, દૈગામડા, છાણસરા, પરસુંદ અને વાઘપુરા ગામોના ખેડૂતોને વર્ષોથી સિંચાઈ માટે પાણી મળી રહ્યું નથી. આ ગામના ખેડૂતોએ અનેક કક્ષાએ અનેક રજૂઆતો કરી છે પણ કોઈ નક્કર ઉકેલ આવ્યો નથી. તેથી આજે આ ગામના ખેડૂતો આકરાપાણીએ થયા છે. આ ખેડૂતોએ લાંબી લડાઈ લડવાનું નક્કી કર્યું છે.
ઉગ્ર રજૂઆતોઃ આજે આ ખેડૂતો નર્મદા કેનાલોમાં પાણી આપવાની માંગણીની રજૂઆત લઈને વારાહી તાલુકા સેવા સદન કચેરી ખાતે પહોંચ્યા હતા. અહીં તેમણે ધરણા કર્યા. તેમજ તાલુકા વિકાસ અધિકારીને આવેદન પણ પાઠવ્યું છે. સેવા સદન કચેરી પર મોટી સંખ્યામાં ખેડૂતો એક્ઠા થયા હતા. ખેડૂતોએ સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. બેનર પ્રદર્શન પણ કર્યુ હતું.
નાની કેનાલ મૂળ સમસ્યાઃ સાંતલપુરમાંથી નર્મદાની ડિસ્ટ્રિક્ટ કેનાલો પસાર થાય છે, પણ તેમાં વર્ષોથી પાણી છોડવામાં આવતું નથી. વળી કેનાલ નાની હોવાથી આ વિસ્તારના ખેડૂતોને સિંચાઈનું પાણી પૂરતા પ્રમાણમાં મળતું નથી.
કમાન્ડ એરીયા મોટો છે તેની સરખામણીમાં કેનલ ખૂબ જ નાની હોવાને કારણે પાણી પૂરતું મળતું નથી. જેથી પાટણકા મુખ્ય કેનાલમાંથી પાણી સીધું સીધાડા,દહીગામડા, છાણાસરા અને પરશુંદ ગામના લોકોને આપવામાં આવે તો જ પાણી પહોંચી શકે એમ છે. સાંતલપુર તાલુકાના આ પાંચ ગામોને સિંચાઈનું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે અલગ કેનાલ અથવા તો પાઇપલાઇન મારફતે પાણી આપવામાં આવે તો જ આ સમસ્યાનો કાયમી ઉકેલ આવશે...દિનેશભાઈ જીવરાણી(ખેડૂત, સાંતલપુર)
છેલ્લા ઘણા વર્ષોથી સાંતલપુર તાલુકાના પાંચ ગામના ખેડૂતો કેનાલોમાં પાણી છોડવા માટે વહીવટી તંત્ર તેમજ રાજકીય આગેવાનો સમક્ષ લેખિત અને મૌખિકમાં રજૂઆતો કરી છે પણ આજ દિન સુધી કોઈ નક્કર ઉકેલ મળ્યો નથી. તેથી આજે ખેડૂતો પાણીની માંગ સાથે ધરણાં ઉપર ઉતર્યા છે...સિકંદર ખાન(ખેડૂત, સાંતલપુર)