પાટણઃ કેટલાક લોકો આવશ્યક સેવાઓ માટે ઘરની બહાર નીકળતા હોઈ તે દપમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગના અભાવે કોરોના વાયરસ સંક્રમણનું જોખમ હોય છે ત્યારે પાટણના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.ડી.પરમાર દ્વારા વિવિધ નિયંત્રણો અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-1973ની કલમ-144ની રૂએ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.ડી.પરમાર દ્વારા ભારત સરકારના આદેશથી જાહેર કરવામાં આવેલા લોકડાઉનની અમલવારી તથા કોરોના વાઈરસ અન્વયે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા ટુ વ્હિલર વાહન પર એકથી વધુ મુસાફર તથા ફોર વ્હિલર વાહનમાં બેથી વધુ મુસાફરોને મુસાફરી કરવા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ફોર વ્હિલર વાહનમાં મુસાફરી દરમ્યાન વાહન ચાલક તેમજ મુસાફર વચ્ચે સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવાનું રહેશે.
વધુમાં જાહેરનામા મુજબ તમામ જાહેર કરેલ આવશ્યક સેવાઓ પ્રદાન કરતાં વેપારીઓ તથા સેવા પુરી પાડનાર એકમો દ્વારા આવશ્યક ચીજવસ્તુઓનું વેચાણ કરવાના સમયે ગ્રાહકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સીંગ જળવાય તે જોવાનું રહેશે. એ જ રીતે સેવાઓ મેળવનાર ગ્રાહકો અને વ્યક્તિઓએ પણ સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવાનું રહેશે.
આ જાહેરનામું પાટણ જિલ્લાના સમગ્ર જાહેર વિસ્તારમાં 12 એપ્રિલ સુધી અમલમાં રહેશે. આ હુકમના કોઈપણ ખંડનો ભંગ કરનાર શખ્સ સામે ભારતીય ફોજદારી અધિનિયમ, 1860ની કલમ-188 હેઠળ શિક્ષાને પાત્ર થશે