પાટણ : પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પર ગામે ગતરાત્રે અગાઉના ઝઘડાની અદાવતનું વેર વાળવા જેલમાંથી છૂટી ગામમાં પરત આવેલ યુવાનને છરીના સાત ઘા મારી કરપીણ હત્યા કરતા સનસનાટી મચી છે. ગામના જાડેજા સમાજના જ બે યુવાનો વચ્ચેનો આ ઝઘડો ખૂની ખેલમાં પરિણમતા તેના ઘેરા પ્રત્યાઘાતો પડયા હતા. તંગદિલી સર્જાતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને પર ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો. તો બીજીબાજુ સાંતલપુર પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી હત્યારાને ઝડપી લીધો હતો.
ગત રાત્રે પર ગામે જૂની અદાવતમાં બે યુવાનો વચ્ચે બોલાચાલી બાદ મામલો બીચક્યો હતો અને એક યુવકે છરીના ઘા મારી યુવકની હત્યા કરી છે. જે અંગેની જાણ થતા સાંતલપુર પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી હત્યારા આરોપીને ઝડપવા માટે અલગ અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા હતાં. ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી છે... એચ.ડી. મકવાણા (પીએસઆઇ, સાંતલપુર)
પહેલાંનો ઝઘડો : બનાવની પ્રાપ્ત વિગતો મુજબ સાંતલપુર તાલુકાના પર ગામે બે વર્ષ અગાઉ નિકુલસિંહ ભીખાજી જાડેજા અને મરણ જનાર ભરતસિંહ બાબુજી જાડેજા વચ્ચે ઝઘડો થયો હતો જેમાં ભરતસિંહે નિકુલસિંહને માર મારતા પોલીસ ફરિયાદ કરી હતી. જેથી ભરતસિંહ જેલમાં ગયો હતો. આ ઝઘડા બાદ તેનો પરિવાર ગાંધીનગર જિલ્લાના ચાંદીસણા ગામે રહેવા જતો રહ્યો હતો.
વેરની વસૂલાત : દરમિયાન ભરતસિંહ જાડેજા જેલમાંથી છૂટ્યાં બાદ પરિવારજનો સાથે બે દિવસ અગાઉ માદરે વતન પર ગામે પરત આવ્યો હતો અને ગતરાત્રિના સમયે કૌશલસિંહ પહાડજી જાડેજાની દુકાને બેઠો હતો તે સમયે નિકુલસિંહ ભીખાજી જાડેજા ત્યાં આવી ચડયો હતો. જે દરમિયાન બંને વચ્ચે અગાઉના ઝઘડાને લઈને બોલાચાલી થતા નિકુલસિંહ ઉશ્કેરાઈ ગયો હતો અને ફેટમાં ભેરવેલી છરી કાઢી ભરતસિંહ જાડેજા ઉપર તુટી પડયો હતો અને છાતી, પેટ અને પીઠના ભાગે આડેધડ સાત જેટલા જીવલેણ ઘા મારતા તે ત્યાં જ ફસડાઇ ગયો હતો. બનાવની જાણ થતાં પરિવારજનો દોડી આવ્યા હતાં અને લોહીલુહાણ હાલતમાં ભરતસિંહને પ્રથમ સાંતલપુર સરકારી હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર અર્થે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવેલ જયાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.
મૃતક યુવકના ભાઈએ નોંધાવી ફરિયાદ : પર ગામે જાડેજા સમાજમાં ખૂની ખેલ ખેલાતા પરિસ્થિતિ વણસે નહી તે માટે રાધનપુર ડીવાયએસપી ડી. ડી. ચૌધરી સાંતલપુર પીએસઆઇ એચ. ડી. મકવાણા સહિતનો પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી ગણતરીના કલાકોમાં જ આરોપી નિકુલસિંહ ભીખાજી જાડેજાની ધરપકડ કરી હતી. મૃતકના ભાઈ ગુમાનસિંહ બાબુજી જાડેજાએ આરોપી નિકુલસિંહ ભીખાજી જાડેજા વિરુદ્ધ સાંતલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.