પાટણ : ખેડા જિલ્લામાં ગત રોજ શંકાસ્પદ આયુર્વેદિક હર્બલના સેવનથી પાંચ લોકોના મોત થતા રાજ્યનું ગૃહ વિભાગ હરકતમાં આવ્યું છે. ત્યારે પાટણ પોલીસ દ્વારા ઠેરઠેર દરોડા પાડી હર્બલના નામે વેચાકી નશાકારક દવાઓની બોટલોનો જથ્થો જપ્ત કરવામાં આવી રહ્યો છે.
5300 બોટલો જપ્ત : જેની કાર્યવાહીમાં સમી તાલુકાના અનવરપુર ગામે રહેણાંક મકાનમાંથી પાટણ એસઓજી પોલીસે ઠંડા પીણાના પાર્લરો ઉપર 100 ટકા હર્બલના નામે આલ્કોહોલ મિશ્રિત વેચાતી શંકાસ્પદ બોટલો ઝડપી લીધી હતી અને કુલ રૂા .7 લાખની કિંમતની 5300 બોટલો જપ્ત કરી સમી પોલીસ મથકે જાણવા જોગ નોંધ કરાવી આ શંકાસ્પદ બોટલો ચકાસણી અર્થે એફ.એસ.એલ.માં મોકલવાની તજવીજ હાથ ધરી છે.
અનવરપુરા ગામમાંથી ઝડપાયો જથ્થો : મળતી વિગતો મુજબ પાટણ એસઓજી પોલીસની ટીમ ગતરાત્રે સમી હાઇવે ઉપર પેટ્રોલીંગમાં હતી તે સમયે ખાનગી રાહે બાતમી મળી હતી કે અનવરપુરા ગામે રહેતા ઠાકોર ભરતજીના રહેણાંક મકાનમાં મોટી માત્રામાં શંકાસ્પદ હર્બલની બોટલોનો જથ્થો ઉતારવામાં આવ્યો છે. ત્યારે પાટણ એસઓજી પોલીસની ટીમે હકીકત આધારે રેઇડ કરતા રહેણાંક મકાનમાંથી સુનિદ્રા, ગોલ્ડ ઈગલ અને geregem પ્રોડક્ટની હર્બલ બોટલો નશાયુકત પદાર્થ તરીકે ઉપયોગ કરવા મંગાવી હોવાનું જણાતા પોલીસ ચોંકી ઉઠી હતી અને 100 ટકા હર્બલના નામે આલ્કોહલ મિશ્રિત આ શંકાસ્પદ બોટલોનો જથ્થો જપ્ત કરી તેની ગણતરી કરતાં કુલ 5300 બોટલો મળી આવી હતી. એક બોટલની કિંમત રુપિયા 150 ગણતાં કુલ રૂા.7 લાખથી વધુનોનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
ચકાસણી માટે બોટલો FSLમાં મોકલી : એસઓજી.પીઆઈ આર જે ઉનાગરે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે એસઓજીએ શંકાસ્પદ હર્બલની બોટલોનો જથ્થો પકડી સમી પોલીસને સુપ્રત કરેલ છે. ત્યારે પોલીસે હાલ તો જાણવાજોગ નોંધ કરી છે. અને સુનિન્દ્રા હર્બલ કંપનીની બોટલો ચકાસણી અર્થે એફએસએલમાં મોકલી છે. એફએસએલનો રિપોર્ટ આવ્યા બાદ તે દિશામાં કામગીરી કરવામાં આવશે. આ જથ્થો ક્યાં આપવાનો હતો તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.
પાર્લરો પર વેચાય છે આ હર્બલ : ગુજરાતના મોટાભાગના શહેરોમાં આવેલા ઠંડા પીણા અને પાનપાર્લરો ઉપર 100 ટકા હર્બલના નામે આવી બોટલો વેચાય છે. જો તેમાં આલ્કોહલ મિશ્રિત કરી નશાયુકત પદાર્થ તરીકે ઉપયોગ કરાતો હોય તો એમડી ડ્રગ્સ બાદ વધુ એક દૂષણ ગુજરાતમાં પ્રવેશી રહ્યું છે અને યુવાનોને નશાની લત લગાવી ખોખલા કરી રહ્યું છે. ત્યારે આ બદીને ડામવા ઉચ્ચ પોલીસ અધિકારીઓ લાલ આંખ કરે તે જરુરી છે.