પાટણ : પાટણ શહેરના સિદ્ધિ સરોવરમાં ગત શનિવારના રોજ લવ દરજી નામના 22 વર્ષીય યુવાને એક વિડીયો બનાવી સિદ્ધિ સરોવરમાં ઝંપલાવી મોતને વહાલું કરતા આ કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. મૃતક લવ દરજીના પિતાએ પોતાના પુત્ર અને પુત્રીને વારંવાર ધમકીઓ મળતા પુત્ર એ આપઘાત કર્યો હોવાની ફરિયાદ એ ડિવિઝન પોલીસ દફતરે નોંધાવતા ચકચાર મચી જવા પામી છે.
વિડીયો બનાવી પોતે આપઘાત કર્યો : ગત શનિવારના રોજ શહેરના દક્ષિણ દિશામાં આવેલ સિદ્ધિ સરોવરમાં એક બાવીસ વર્ષીય યુવકે મોત પૂર્વે વિડીયો બનાવી પોતે આપઘાત કરી રહ્યો હોવાનું પોતાના પરિવારજનોને જણાવી મોતની છલાંગ લગાવી મોતને વાલુ કર્યું હતું. આ મૃતક યુવાન લવ રાકેશભાઈ દરજીની લાશ બીજા દિવસે રવિવારે સવારે મળી હતી અને પોલીસે તેનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું
વિપુલ સાધુના ત્રાસથી યુવકે આત્મહત્યા કરી : આ આપઘાત કેસમાં હવે નવો વળાંક આવતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે મૃતક લવ દરજીના પિતા રાકેશ વિઠ્ઠલભાઈ દરજીએ પાટણ એ ડિવિઝન પોલીસ દફતરે ફરિયાદ નોંધાવતા એવો ઉલ્લેખ કર્યો છે કે પુત્ર લવ દરજીને આ ગુનાના આરોપી સાધુ વિપુલ નારાયણભાઈની બહેન સાથે મિત્રતા હતી અને વાતચીત કરતા જોયા હતાં. ત્યારબાદ વિપુલ સાધુ અવારનવાર મારા પુત્રને ફોન ઉપર તેમજ રૂબરૂમાં હેરાન કરી મારી પુત્રીને કહેલ કે તારો ભાઈ હવે પાટણમાં દેખાશે તો તેને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.જેને લઈને મારા પુત્ર લવ દરજીએ કંટાળીને સિદ્ધિ સરોવરમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો.
પોલીસે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી : પાટણ એ ડિવિઝન પોલીસે મૃતક લવ દરજીના પિતાની ફરિયાદને આધારે આઈપીસી કલમ 306 506 (2)મુજબ સાધુ વિપુલ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ પી.એસ.આઇ વિજય પરમારે હાથ ધરી છે.
મૃતકનો મોબાઈલ કબ્જે લીધો : આ ગુનાની તપાસ કરનાર પીએસઆઇ વિજય પરમારે ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે પોલીસે હાલ મૃતક યુવકનો મોબાઈલ કબ્જે લીધો છે. આરોપીએ યુવકને કેટલીવાર ટેલિફોનિક ધમકીઓ આપી છે તે દિશામાં તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ આરોપી વિપુલ સાધુને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.