પાટણ: તારીખ 23 નવેમ્બરના રોજ સમી તાલુકાના ચાંદરણી ગામના ખેડૂત પરિવારે પોતાની જમીન પાછી મેળવવા માટે રજૂઆત કરી હતી. આ સાથે જ ન્યાય આપો કે પછી ઝેરી દવા આપો તેવી ચીમકી ઉચ્ચારી હતી. ત્યારબાદ કલેક્ટરે 10 દિવસનો સમય આપ્યો હતો. આ દરમિયાન કોઈ ન્યાય ન મળતા પરિવારના મોભી બાલાભાઈ રાવળે ઘરે જ અન્નજળનો ત્યાગ કરી ન્યાય મળશે તેવી મીટ માંડીને બેઠા હતા. દરમ્યાન તેઓની તબિયત લથડતાં પરિવારના સભ્યોએ ધારપુર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કર્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.
શું હતી સમગ્ર ઘટના: સમી તાલુકાના ચાંદરણી ગામે રહેતા રાવળ બાલાભાઈ મોહનભાઈની 46 વીઘા ખેતીલાયક જમીન ગામની સીમમાં આવેલી છે. ખેત મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા રાવળ પરિવારના મોભીને દીકરાની સારવાર માટે રૂપિયાની જરૂરિયાત હોય ગામના વતની દરબાર દિલીપસિંહને આ જમીન ગીરવે આપી હતી. જોકે આ સર્વે નંબર વાળી જમીન નવી અને અવિભાજ્ય પ્રકારની હોવાથી જૂની શરતમાં ફેરવવા માટે રાવળ પરિવારના મોભીને ઠાકોર દેવજીભાઈ નામના શખ્સે જૂની શરતમાં ફેરવી આપવા માટે વિશ્વાસમાં લઈ રૂપિયા એક લાખ ત્રણ હજાર હપ્તેથી આપવાનું નક્કી કર્યું હતું. જે રકમ ત્રણ હપ્તે રાવળ બાબુભાઈએ ચૂકતે કરી હતી.
ખેડૂતે અન્ન જળનો ત્યાગ કરતાં મોત: ત્યારબાદ ત્રણ વ્યક્તિઓએ સાથે મળી ખોટી પાવર ઓફ એટર્ની, ખોટું ડેકલેરેશન તેમજ ખોટો અંગૂઠો લઈ આ જમીન બારોબાર વેચી હોવાના આક્ષેપ સાથે ખેડૂત પરિવારે જિલ્લા કલેકટરને ગત 23 તારીખના રોજ રજૂઆત કરી હતી. જિલ્લા કલેકટર દ્વારા આ બાબતે 10 દિવસમાં યોગ્ય કરવામાં આવશે તેવી હૈયાધારણા આપવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ પણ આધેડ ખેડૂતને કોઈ ન્યાય ન મળતાં નાછૂટકે ન્યાયની આશાએ પોતાના ઘરે જ અન્નજળનો ત્યાગ કર્યો હતો. આ દરમિયાન તેઓની તબિયત લથડતા પરિવારના સભ્યોએ તેમને ધારપુર શિવ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કર્યા હતા. જ્યાં તેઓનું મોત થતા પરિવારના સભ્યોએ જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી પોસ્ટમોર્ટમ કરવાનો કે મૃતદેહ લેવાનો ઇન્કાર કર્યો હતો.
પરિવારે આત્મહત્યાની આપી ચીમકી: 46 વીઘા ખેતીલાયક જમીનને શરતફેર કરવાના બહાને દેવરાજ ઠાકોર, હીના ભરવાડ અને સુરેશ ભરવાડે ખોટા દસ્તાવેજો બનાવી પોતાના નામે કરાવી દીધી છે. જે બાબતે થોડા દિવસ અગાઉ જિલ્લા કલેકટરને રજૂઆત કરી હતી પણ કોઈ કાર્યવાહી ન થતાં મારા પિતાએ ઘરે જ અન્યત્યાગ કર્યો હતો. ત્યારબાદ સારવાર દરમિયાન તેઓનું મોત થયું છે. જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે મૃતદેહ સ્વીકારીશું નહીં. આરોપીઓ સામે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો નાછૂટકે અમે આત્મવિલોપન કરીશું. - રમેશભાઈ, મૃતકના પુત્ર
ન્યાયની રાહે પરિવાર: મૃતકના પરિવારજનો ગતરોજ સાંજથી હોસ્પિટલમાં જ ભૂખ હડતાલ પર ઉતર્યા હોવા છતાં તંત્ર દ્વારા તેઓની કોઈ મુલાકાત કે દરકાર લેવામાં નહીં આવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. સરકારી તંત્ર પાસેથી ન્યાયની આશામાં અંતે મોતને ભેટેલા આ વૃદ્ધના બલિદાન બાદ હવે પરિવારજનોને ન્યાય મળશે કે નહીં તે પ્રશ્ન હાલ ચર્ચાની એરણે ચડ્યો છે