પાટણઃ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના 65મા જન્મદિન નિમિત્તે સમગ્ર રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરો દ્વારા વિવિધ સેવાકીય કાર્યો કરી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે અનુસંધાને પાટણમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકરો દ્વારા કોરોના મહામારીમાં પ્રજાના સ્વાસ્થ્ય માટે સિધ્ધનાથ મહાદેવ મંદિર ખાતે પૂજા અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રદેશ ભાજપ મહામંત્રી કે.સી પટેલ સહિતના આગેવાનોએ સિદ્ધનાથ મહાદેવની પૂજા અર્ચના કરી બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાથે યજ્ઞમાં આહુતિઓ આપી મુખ્યપ્રધાન અને સમગ્ર પ્રજાનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે તેવી પ્રાર્થના કરી હતી.
આ ઉપરાંત મંદિર પરિસર ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કોરોના મહામારીને ધ્યાનમાં લઈને દરેક વોર્ડમાં હેર સલૂનની દુકાન અને પાન પાર્લરમા માસ્ક અને સેનેટાઈઝનું વિતરણ કરવા માટે વોર્ડના સભ્યોને માસ્કની કિટ આપવામાં આવી હતી. તેમજ આંગણવાડી તેડાગર મહિલાઓને સાડીઓનું વિતરણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. આમ પાટણમાં ભાજપે વિવિધ લોકકલ્યાણના પ્રજાલક્ષી કાર્યો કરી મુખ્યપ્રધાનના જન્મદિવસની ઉજવણી કરી હતી.
આ પ્રસંગે પ્રદેશ ભાજપ મહામંત્રી કે.સી પટેલે મુખ્ય પ્રધાનના વિદ્યાર્થીકાળથી લઇ રાજકારણની સફર કારકિર્દી અંગેની વિસ્તૃત માહિતી કાર્યકરોને આપી હતી અને તેમનું આરોગ્ય અને દીર્ઘાયુષ્ય થાય તે માટેની પ્રાર્થના કરી હતી.