પાટણઃ દેશમાં કોરોના વાઇરસના ફેલાતો અટકાવવા માટે સરકારે તબક્કાવાર લોક ડાઉન અમલી કર્યું છે અને કોરોના પોઝિટિવ કેસોની સંખ્યાને આધારે રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોન પ્રમાણે જેતે જિલ્લાઓનો તે ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સરકારે અગાઉ કોમ્પ્લેક્સમાં આવેલી દૂકાનો સિવાય જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ઉપરાંત કેટલીક દુકાનો ખુલ્લી રાખવાની છૂટ આપી હતી. ત્યાર બાદ ઓરેન્જ ઝોનમાં આવતા જિલ્લાઓમાં સલૂન, ચાની હોટલો તેમજ બાઈક પર બે સવારી, ટેક્સી તેમજ કેબ એગ્રીગેટરને ડ્રાઈવર અને બે યાત્રીઓ સાથે પરવાનગી આપી છે.
પાટણ જિલ્લાનો ઓરેન્જ ઝોનમાં સમાવેશ થયો છે. ત્યારે સરકારની જાહેરાતને પગલે પાટણમાં કાપડ, વાસણ, હોજીયરી, ઈલેક્ટ્રીક, સલૂન સહિતના દુકાનદારોએ દુકાનો ખોલી ધંધો શરૂ કર્યો હતો, પણ જુના જાહેરનામા મુજબ વહીવટી તંત્રના કર્મચારીઓએ આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની દુકાનો બંધ કરાવી હતી. તો બીજી તરફ બાઈક, કાર તેમજ રીક્ષા લઈને નીકળેલા વાહન ચાલકોને શહેરના વિવિધ પોઈન્ટ પર ફરજ પરની પોલિસે અગાઉનું જાહેરનામું યથાવત હોઈ વાહન ચાલકોને અટકાવી દંડકીય કાર્યવાહી કરતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
પાટણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરકારે ઓરેન્જ જોન માટે આપેલી છૂટછાટને અનુલક્ષીને માર્ગદર્શન સાથેનું નવું જાહેરનામું પ્રસિદ્ધ ન કરતા તો વેપારીઓ અને વાહન ચાલકો અશમંજશમાં મૂકાયા હતા.