- ગોચરની જમીનમાં થયેલાં દબાણો દૂર કરવા પશુપાલકોની માગ
- પશુપાલકો અને પોલીસ વચ્ચે સર્જાયું હતું ઘર્ષણ
- સમાધાન નહીં આવે તો પશુપાલકો ઉચ્ચારી આત્મવિલોપનની ચીમકી
પાટણ: પાટણ નજીક આવેલા સુજનીપુર ગામની ગૌચર જમીનના અનઅધિકૃત દબાણો ખાલી કરાવવાની માગ સાથે 25થી વધુ પશુપાલકો આત્મવિલોપનની તૈયારી સાથે પશુધન લઈ પાટણ ખાતે કલેકટર કચેરી આવવા નીકળ્યા હતા જેની જાણ પોલીસને થતાં સુજનીપુર સબજેલ નજીક ઘેરો નાખી અટકાવતા પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. અંતે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા અને મામલો થાળે પાડી પાંચ આગેવાનોને પોલીસ વાનમાં બેસાડી રજૂઆત માટે કલેકટર પાસે લાવવામાં આવ્યા હતા.
પાટણ તાલુકાના સુજનીપુર ગામે સર્વે નંબર 17 પૈકી 290,367 પૈકી 3, 4 અને 289ના તમામ નંબરો વાળી આશરે 700 વિઘા ગોચર જમીન આવેલી હતી. આ જમીનમાં વર્ષ 2001ના તે સમયના સરપંચ દ્વારા 367 પૈકીની જમીન નીગમમાં સરકારી પડતર ફાળવી કબજે કરી હતી. આ ઉપરાંત અન્ય 500 વીઘા જેટલી ગોચર જમીનમાં બિનઅધિકૃત રીતે દબાણ કરી તેમાં ખેતી કરવામાં આવતી હતી. જેને લઈ ગામમાં પશુધન ધરાવતા આશરે 25થી વધુ પશુપાલકોને અંદાજે 1000 જેટલા પશુઓને ઘાસચારો ચરવા માટે કોઈ જગ્યા બાકી રહી નહોતી. આ મામલે પશુપાલકોએ અવાર-નવાર વહીવટી તંત્રને લેખિતમાં અરજીઓ કરી હતી. જે સંદર્ભે તંત્રના અધિકારીઓએ સ્થળ તપાસ પણ હાથ ધરી હતી. પરંતુ ગોચર જમીનમાં થયેલા દબાણોને દૂર કરવામાં ન આવતા આખરે રોષે ભરાયેલા પશુપાલકોએ ન્યાયની માગણી સાથે ગુરુવારે સુજનીપુર ગામ ખાતેથી આત્મવિલોપનની તૈયારી સાથે પશુધનને લઈ કલેકટર કચેરી ખાતે આવવા નીકળ્યા હતા ત્યારે પશુપાલકોના ઉગ્ર દેખાવને લઈને પાટણ એ ડિવિઝન અને એલસીબી પોલીસ સ્ટાફના માણસો પશુપાલકો પશુધન લઈ કલેકટર કચેરી પહોંચે તે પહેલાં જ સુજનીપુર સબજેલ ખાતે તેઓને રોકી દેવામાં આવ્યા હતા અને આત્મવિલોપન કરવા માટે લાવેલી પેટ્રોલની બોટલો પણ પોલીસે કબજે કરી હતી.
પોલીસ અને પશુપાલકો વચ્ચે થોડો સમય માટે સર્જાયું ઘર્ષણ
પોલીસ દ્વારા પશુપાલકોને રોકવામાં આવતા પોલીસ અને પશુપાલકો વચ્ચે થોડા સમય માટે ઘર્ષણ સર્જાયું હતું. જોકે પોલીસ અધિકારીઓની સમજાવટ બાદ પાંચ જેટલા પશુપાલકોને જિલ્લા કલેકટર કચેરી ખાતે પોલીસ વાનમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં પોલીસ અધિકારીઓ સાથે પશુપાલક આગેવાનોએ જિલ્લા કલેકટરને ગોચર જમીનમાં દબાણો દૂર કરી આ જમીન પશુઓને ચરવા માટે ખુલ્લી કરવામાં આવે તેવી માગ કરી હતી. પશુપાલકોની રજૂઆતને ધ્યાને લઇ જિલ્લા કલેક્ટરે આ મામલે જે તે અધિકારીઓની તપાસ સોંપી યોગ્ય ન્યાય આપવામાં આવશે તેવી હૈયાધારણા પણ આપી હતી.