પાટણ: શહેરના ચાણસ્મા હાઇવે રોડ પર આવેલી જી.ઈ.બી પાસેની વર્ધમાન નગર સોસાયટીમાં રહેતા અને નવજીવન ચાર રસ્તા પર સરદાર કોમ્પ્લેક્ષમાં આધાર વુમન્સ હોસ્પિટલ ધરાવતા ગાયનેક તબીબ કલ્પેશ વાઢેરનો ગત તારીખ 4 જૂનના રોજ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. જેને લઇ સારવાર અર્થે ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓની તબીયત સ્થિર થતા રજા આપી હોમ ક્વોરન્ટાઇન થવાની સૂચના આપી હતી.
પરંતુ આ તબીબે ગુરુવારના રોજ પોતાની ખાનગી હોસ્પિટલમાં આવી ઓપીડી ચાલુ કરી હતી. દર્દીઓને તપાસવાની વાત સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં ભારે ચર્ચાસ્પદ બની હતી. આરોગ્ય વિભાગ દ્વારા વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાઇ તો, તે સમગ્ર વિસ્તારને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરી સીલ કરવામાં આવે છે. પરંતુ આ તબીબ કઈ રીતે પોતાની ખાનગી હોસ્પિટલમાં આવ્યા એ પ્રશ્ન લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
આ સમગ્ર ઘટના સોશિયલ મીડિયામાં વાઇરલ થતા આરોગ્ય તંત્રના અધિકારીઓ તબીબની ખાનગી હોસ્પિટલમાં દોડી ગયા હતા અને તબીબને સખ્તાઇપૂર્વક હોમ ક્વોરન્ટાઇનમાં રહેવાની કડક સૂચના આપી હતી.