- પાટણ નગરપાલિકાના પ્રમુખ- ઉપપ્રમુખની વરણી
- પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં યોજાઈ ચૂંટણી
- પ્રમુખ અને ઉપપ્રમુખને સભ્યોએ આવકાર્યા
પાટણ: નગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠકો માટેની ચૂંટણી થયા બાદ ચૂંટણીના પરિણામો જાહેર થતા ભાજપે 38 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મેળવી છે. આગામી 2026 સુધી પાંચ વર્ષની ટર્મના પહેલા અઢી વર્ષ માટે મહિલા સામાન્ય વર્ગમાંથી પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવા માટે સોમવારે નગરપાલિકા હોલ ખાતે પ્રાંત અધિકારી સ્વપ્નિલ ખરેની ઉપસ્થિતિમાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં જિલ્લા ઉપપ્રમુખ પ્રજ્ઞા ઠાકરે પ્રમુખ અને ઉપપ્રમુખ માટેના મેન્ડેડ ચૂંટણી અધિકારીને સુપરત કરતા ચૂંટણી અધિકારીએ પ્રમુખ તરીકે સ્મિતા પટેલની વરણી માટે મતદાન પ્રક્રિયા શરૂ કરી હતી. જેમાં નગરપાલિકાના ભાજપના ચૂંટાયેલા 38 સભ્યોએ પોતાનો હાથ ઊંચો કરીને મતદાન કર્યું હતું, ત્યારબાદ ઉપપ્રમુખ માટે મતદાન પ્રક્રિયા શરૂ થતા ચૂંટાયેલા સભ્યોએ હાથ ઊંચો કરીને મતદાન કર્યુ હતું. જેથી પ્રાંત અધિકારીએ નગરપાલિકાના પ્રમુખ તરીકે સ્મિતા પટેલ અને ઉપપ્રમુખ તરીકે ધર્મેશ પ્રજાપતિની વરણી કરતા તેઓના શુભેચ્છકો અને સમર્થકોમાં આનંદ છવાયો હતો અને ભાજપના આગેવાનો કાર્યકરોએ પ્રમુખ અને ઉપપ્રમુખને ફૂલહાર પહેરાવી મોં મીઠું કરાવી અભિનંદન પાઠવ્યા હતા.
અરવિંદભાઈ પટેલ કારોબારી ચેરમેન પ્રમુખ બન્યા
પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થયા બાદ પાર્ટી દ્વારા કારોબારી ચેરમેન તરીકે અરવિંદ પટેલ, પક્ષના નેતા તરીકે દેવચંદ પટેલ અને પક્ષના દંડક તરીકે હરેશ મોદીની વરણી કરાઈ હતી. આ ઉપરાંત પાટણ નગરપાલિકાના નવનિયુક્ત મહિલા પ્રમુખે તમામ સભ્યોને સાથે રાખી નગરનો સર્વાંગી વિકાસ કરવા કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન પક્ષના નેતા તથા પક્ષના દંડકની ખુલ્લી જીપમાં નગરપાલિકા ખાતેથી શોભાયાત્રા નિકળી હતી, જેમાં તમામે નગરજનોનું અભિવાદન ઝીલ્યુ હતુ.
આ પણ વાંચો : વાપી નગરપાલિકાના નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી