પાટણ : માલધારી સમાજના ભામાશા અને બક્ષીપંચ સમાજના આગેવાન બાબુભાઈ જેસંગભાઈ દેસાઈની રાજ્યસભાના સાંસદ તરીકે પસંદગી કરવામાં આવી છે. ત્યારે પાટણ ખાતે તેમનો ભવ્ય સન્માન સમારોહ કાર્યક્રમ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે યોજવામાં આવ્યો હતો. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે સાંસદ બાબુભાઈ દેસાઈનું સાલ ઓઢાડી સન્માન કર્યું હતું.
બાબુભાઈ દેસાઈનો સન્માન કાર્યક્રમ : બક્ષીપંચ સમાજમાં આવતા અલગ અલગ જ્ઞાતિના લોકો, માલધારી સમાજના આગેવાનો, ભાજપના આગેવાનો અને કાર્યકરોએ સાંસદને પાઘડી પહેરાવી સન્માન કર્યું હતું. ઉપરાંત માલધારી સમાજની ઓળખ એવી લાકડી આપી સાંસદનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સંતો મહંતોએ બાબુભાઈ દેસાઈને આશીર્વાદ આપ્યા હતા.
મુખ્યપ્રધાનનું સંબોધન : આ તકે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આજનો દિવસ ગૌરવનો દિવસ છે. સ્વર્ણિમ ગુજરાતથી આત્મનિર્ભર ભારતના કાર્યમંત્રને આત્મસાત કરી પોતાનું આગવું પ્રદાન આપનાર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન તરીકે 22 વર્ષ પહેલા શપથ ગ્રહણ કર્યા હતા. ત્યારથી લઈને તેઓ વડાપ્રધાન બન્યા ત્યાં સુધી અને આજની તારીખ સુધી તેઓ હંમેશા ગુજરાત પ્રત્યે પ્રેમ અને સન્માન દર્શાવ્યો છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ન માત્ર ગુજરાતમાં પરંતુ દેશ અને દુનિયામાં સૌથી લોકપ્રિય નેતા છે. તેઓ ગુજરાતમાં હતા ત્યારથી તેઓએ અહીંની મુશ્કેલી અને પરિસ્થિતિ જોઈ અને સમજી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યમંત્ર સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ છે. જેના થકી આઝાદીના આ અમૃતકાળમાં આત્મનિર્ભર ભારત અને આત્મનિર્ભર ગુજરાત બનાવવા અનુરોધ કર્યો હતો.
બક્ષીપંચ સમાજ દ્વારા આયોજન : રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈને અભિનંદન આપતા મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, બાબુભાઈ દેસાઈ થકી ગુજરાતનો અવાજ સરકાર સુધી પહોંચશે અને તેનું શ્રેષ્ઠ પરિણામ આવશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, મુખ્ય પ્રધાનના શપથ ગ્રહણ બાદ અથાગ પરિશ્રમ દ્વારા તેઓએ આજે ગુજરાતને દેશનું ગ્રોથ એન્જિન બનાવી દીધું છે. આજે ગુજરાત તમામ ક્ષેત્રે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે.
બાબુભાઈ દેસાઈએ આભાર માન્યો : સાંસદ બાબુભાઈ દેસાઈએ ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાનનો આભાર વ્યક્ત કરી સંબોધન કરતા જણાવ્યું હતું કે, આ સન્માન ફક્ત મારું નહીં, પરંતુ સમગ્ર બક્ષીપંચ સમાજનું છે. જેના માટે હું પ્રધાનમંત્રીનો આભારી છું. મારું આ સન્માન હું સમગ્ર બક્ષીપંચ સમાજને સમર્પિત કરું છું. તેઓએ જણાવ્યું હતું કે, સૌની શુભકામનાઓ સાથે દેશની સેવા કરવાની મને આ તક મળી છે. જેને હું સારી રીતે નિભાવીશ. સરકારે ઓબીસી સમાજ માટે ખૂબ વિચાર્યું છે અને અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. તાજેતરમાં જ સરકાર દ્વારા 33 % મહિલા અનામત જાહેર કરવામાં આવી જે મહિલા સશક્તિકરણ માટે મહત્વનો નિર્ણય સાબિત થશે.