- HNG યુનિવર્સીટીએ ઈન્દોરની યુનિવર્સિટી સાથે 3 વર્ષ માટે MOU કર્યા
- બન્ને યુનિવર્સિટીઓએ કેમિકલ, એગ્રીકલ્ચર અને બાયોલોજીકલ સાયન્સ પર MOU કર્યા
- જ્ઞાનના આદાન-પ્રદાન સાથે ઉપયોગી સંશોધનો થકી સમાજને મદદરૂપ થવાનો મુખ્ય ઉદ્દેશ
પાટણઃ કોરોના મહામારીની શરૂઆતના સમયથી મેડિકલ ક્ષેત્રએ સંશોધન માટેનું સૌથી મોટું અને અગત્યનું કાર્યક્ષેત્ર બન્યું છે. જેમાં ઉપલબ્ધ માહિતીના યોગ્ય એનાલિસિસ સહિતના સંશોધનના કારણે દવાઓ સહિત વધુ સારી મેડિકલ સેવાઓ ઉપલબ્ધ બનાવી શકાય. આમ વિજ્ઞાન ક્ષેત્રમાં જરૂરી સંશોધન વધુ બહોળા પ્રમાણમાં અને વધુ ચોકસાઈથી કરી શકાય તે માટે પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અને ઈન્દોર ખાતે આવેલી SAGE યુનિવર્સિટી વચ્ચે MOU સાઈન કરવામાં આવ્યા છે.
MOU કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય જ્ઞાનનું આદાન-પ્રદાન
આ અંગે વાત કરતાં SAGE યુનિવર્સિટીના ઉપ-કુલપતિ ડૉ.હિરેન જોષીએ જણાવ્યું હતું કે, બન્ને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સંયુક્તપણે સંશોધન હાથ ધરી વધુ સારા પરિણામ મેળવી શકશે. MOU કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય જ્ઞાનના આદાન-પ્રદાન દ્વારા ઉપયોગી સંશોધનો થકી સમાજને મદદરૂપ થવાનો છે.
આ પણ વાંચોઃ HNG યુનિવર્સીટીએ 8 એપ્રિલથી શરૂ થવાવાળી તમામ પરીક્ષાઓ મોકુફ રાખી
HNGUના કુલપતિનું નિવેદન
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ.જે.જે.વૉરાએ જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિમાં એકતાનું વિશેષ મહત્વ છે, ત્યારે હવે શૈક્ષણિક સંસ્થાનો પણ દેશની પ્રગતિમાં સહભાગીતા દાખવવા માટે એકબીજાની શૈક્ષણિક, સંશોધન અને નવીન વિષયોમાં કૌશલ્ય હાંસલ કરે અને તેનું આદાન-પ્રદાન કરે તે જરૂરી છે. જેથી બન્ને યુનિવર્સિટીએ દિશામાં આગળ વધશે.
એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત બન્ને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ એકબીજાની યુનિવર્સિટીમાં અભ્યાસ કરી શકશે
બન્ને યુનિવર્સિટી વચ્ચે કેમિકલ સાયન્સ, બાયોલોજીકલ સાયન્સ અને એગ્રીકલ્ચર સાયન્સ વિષય પર ફોકસ કરી આ MOU સાઈન કરવામાં આવ્યા છે. જેમાં સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત HNGUના વિદ્યાર્થીઓ ઈન્દોર ખાતે SAGE યુનિવર્સિટીમાં તથા SAGE યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પાટણ ખાતે HNGUમાં અભ્યાસ કરી શકશે. આ સાથે ફેકલ્ટી એક્સચેન્જ પ્રોગ્રામ દ્વારા પ્રાધ્યાપકોના માર્ગદર્શન હેઠળ ઉચ્ચ કક્ષાનું સંશોધન, ઉચ્ચ શિક્ષણ અને શિક્ષણ થકી સામાજીક બદલાવ લાવવા માટે બન્ને યુનિવર્સિટી પ્રયત્નશીલ રહેશે.