પાટણઃ દર વર્ષે સપ્ટેમ્બર માસને ‘રાષ્ટ્રીય પોષણ માહ’ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ રાજય સરકાર દ્વારા ગુજરાતમાં કુપોષણમાં ઘટાડો થાય તેમજ સ્વસ્થ અને તંદુરસ્ત બાળક આવતીકાલનું ભવિષ્ય બને તે માટે ‘પોષણ માહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. પાટણ જિલ્લા વિકાસ અધિકારી ડી. કે. પારેખની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત પાટણ ખાતે વિવિધ વિભાગોના અધિકારીઓની ‘પોષણ માહ’ અંતર્ગત કરવાની કામગીરી સંદર્ભે બેઠક યોજવામાં આવી હતી.
પોષણ માહમાં આ 5 મુખ્ય બાબતો પર ભાર મૂકવામાં આવશે
- બાળકના પ્રથમ 1000 દિવસ
- એનેમિયા
- ઝાડા નિયંત્રણ
- હેન્ડ વોશ અને સેનિટાઈઝેશન
- પૌષ્ટિક આહાર
ચાલુ વર્ષે પોષણ માહ અંતર્ગત 5 મુખ્ય બાબતો ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. જેમાં બાળકના પ્રથમ 1000 દિવસ, એનેમિયા, ઝાડા નિયંત્રણ, હેન્ડ વોશ અને સેનિટાઈઝેશન અને પૌષ્ટિક આહારનો સમાવેશ થાય છે. દરેક આંગણવાડીમાં આ 5 બાબતોને ધ્યાને રાખીને કામગીરી કરવા પર ભાર આપવામાં આવશે. વર્તમાન કોરોનાની મહામારીને ધ્યાનમાંં રાખીને સોશિયલ મીડિયાના માધ્યમથી બાળકોના માતા-પિતાને પોષણ અંગે જાગૃત કરવા માટે પ્રયાસ કરવામાં આવશે. બાળકોને પૂરતું પોષણ મળી રહે, તે માટે કિચનગાર્ડન (ન્યૂટ્રીશીયન ગાર્ડન) કરવા માટે અને કુપોષિત બાળકોના પાલક માતા-પિતાનો સંપર્ક કરી તેમને પૂરતી સમજ આપવી, એમ જિલ્લા વિકાસ અધિકારી ડી. કે. પારેખે ઉપસ્થિત બાળ વિકાસ યોજના અધિકારીઓને જણાવ્યું હતું.
સપ્ટેમ્બર માસ દરમિયાન સમગ્ર પાટણ જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પોષણ અભિયાનને સફળ બનાવવા ગૃહ મુલાકાત, સોશિયલ મીડિયા દ્વારા પ્રચાર, વેબિનાર, પૂર્વ પ્રસૂતિ તપાસ, સુખડી વિતરણ, હેન્ડ વોશ નિદર્શન જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા સૂત્ર ‘સહી પોષણ દેશ રોશન’ ના ધ્યેય સાથે પોષણ માહની ઉજવણી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ત્રીજા રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી સપ્ટેમ્બર 2020માં કરવામાં આવી રહી છે. દર વર્ષે પોષણ માહની ઉજવણી (સર્વાંગી પોષણ માટે વડાપ્રધાનની મહત્વની યોજના) પોષણ અભિયાન હેઠળ કરવામાં આવે છે. જેનો પ્રારંભ 2018માં કરવામાં આવ્યો હતો. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયને પોષણ અભિયાન માટે નોડલ મંત્રાલય નિયુક્ત કરવામાં આવ્યું છે. જેમના દ્વારા સહભાગી મંત્રાલયો અને વિભાગો સાથે મળી, રાષ્ટ્રીય, રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશ સ્તરે, જિલ્લા અને તદ્દન પાયાના સ્તરે આ ઉજવણી કરવામાં આવે છે. પોષણ માસની ઉજવણી કરવા પાછળ નાના બાળકો અને મહિલાઓમાં કુપોષણની સમસ્યાને દૂર કરવા માટે જન આંદોલનનું નિર્માણ કરવા માટે જન ભાગીદારીને પ્રોત્સાહન આપવાનું છે. જેથી દરેક વ્યક્તિ માટે આરોગ્ય અને પોષણ સુનિશ્ચિત થઇ શકે.
દેશમાં પ્રવર્તમાન કોવિડ-19 મહામારીના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મહિલા અને બાળ વિકાસ વિભાગ તમામ હિતધારકોને પોષણ માસની ઉજવણી કરવા માટે ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહન આપી રહ્યું છે. સોશિયલ મીડિયા, પોડકાસ્ટ્સ અને ઇ-સંવાદ વગેરેનો ઉપયોગ કરીને આપણા જીવનમાં પોષણના મહત્વ અંગેની મહત્વપૂર્ણ માહિતીનો લોકો સુધી પ્રસાર કરવામાં આવશે. મંત્રાલય દ્વારા વેબિનાર શ્રેણીઓનું પણ આયોજન કરવામાં આવશે જેમાં નિષ્ણાતો અને આરોગ્ય વ્યાવસાયિકો, મહિલાઓ અને બાળકોના આરોગ્ય તેમજ પોષણના મહત્વપૂર્ણ પાસાઓ પર પ્રકાશ પાડશે.