ભારત સરકાર દ્વારા નાગરિકતા સંશોધન કાયદો બનાવવામાં આવ્યો છે. ત્યારે સમગ્ર દેશમાં આ કાયદાના વિરોધમાં ઠેર-ઠેર વિરોધ થઈ રહ્યા છે. બીજી બાજુ શિક્ષણવિદો આ કાયદાને સમર્થન આપી રહ્યા છે. ત્યારે પાટણમાં નાગરિકતા સંશોધન કાયદો સમર્થન સમિતિ અને વિવિધ સંસ્થાઓ, સંગઠનો, સંતો મહંતો તેમજ ભાજપના આગેવાનો તેમજ કાર્યકરોએ શહેરના કનસડા દરવાજાથી આ કાયદાના સમર્થનમાં રેલી યોજી હતી.
આ રેલીને સંતો, મહંતોએ કેસરી ભગવો લહેરાવી પ્રસ્થાન કરવી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. 150 મીટર લાંબા તિરંગા સાથે CAAના કાયદાને સમર્થન આપતા વિવિધ બેનરો સાથે આ રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી નીકળી હતી. તે ઉપરાંત નગરજનો અને વેપારીઓએ વિવિધ માર્ગો પર રેલીનું સ્વાગત કર્યુ હતું. આ રેલી શહેરના વિવિધ માર્ગો પર ફરી જિલ્લા કલેકટર કચેરીએ પહોંચી હતી. બાદમાં જિલ્લા કલેક્ટર આનંદ પટેલને આવેદન પત્ર આપી આ કાયદાનો અમલ થાય તેવી માગ કરી હતી.
પાટણમાં નીકળેલી આ રેલીમાં ત્રણથી ચાર હજાર લોકો જોડાયા હતા. તો બીજી તરફ શહેરના વિવિધ માર્ગો પરથી આ રેલી પસાર થતા નગરજનોએ પણ સમર્થન આપી 'ભારત માતાકી જય' ના નારા લગાવ્યા હતા.