- પાટણ જિલ્લામાં કોરોના બેકાબૂ
- સંક્રમણને રોકવા વહીવટીતંત્રે લીધો મહત્વનો નિર્ણય
- 7 દિવસ સુધી જિલ્લામાં લોકડાઉન
- પ્રથમ દિવસે સવારથી જ તમામ બજારો રહ્યા સજ્જડ બંધ
પાટણઃ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે પાટણ જિલ્લામાં પણ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. જેથી જિલ્લામાં સાત દિવસ સુધી સંપૂર્ણ લોકડાઉન લગાવવામાં આવ્યું છે. જિલ્લામાં કોરોના સંક્રમણ વધતા શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલો દર્દીઓથી ભરાઈ ગઈ છે, જેને લઈ લોકોમાં ફફડાટ ફેલાયો છે.
આ પણ વાંચોઃ પાટણ જિલ્લામાં એક સપ્તાહનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર
પાટણ શહેર ઉપરાંત ગામડામાં પણ લોકડાઉનનો ચુસ્ત અમલ
જિલ્લામાં કોરોના સંક્રમણની ચેન તોડવા જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને વિવિધ વેપારી મંડળો, સેવાભાવી સંસ્થાઓ અને સમાજના આગેવાનોની બેઠક મળી હતી. જેમાં સર્વાનુમતે મંગળવારથી એક સપ્તાહ સુધીનું સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવાનો નિર્ણય લેવાયો હતો. જેના પગલે મંગળવારે સવારથી જ પાટણના તમામ બજારો બંધ રહ્યા હતા. બજારોમાં સન્નાટો જોવા મળ્યો હતો, તો બીજી તરફ બજારોમાં લોકોની ચહલ-પહલ પણ નહિવત જોવા મળી હતી. પાટણ શહેર ઉપરાંત જિલ્લાના મોટાભાગના શહેરો અને ગામોમાં પણ લોકડાઉનનો ચુસ્ત અમલ જોવા મળ્યો હતો.
આ પણ વાંચોઃ પાટણમાં ચીજ-વસ્તુઓની ખરીદી માટે લોકોની ભીડ ઉમટી