- માધવસિંહ સોલંકીએ શુક્રવારની સાંજે સેવંતી સોલંકી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી
- પાટણાના પીઢ ગાંધીવાદીએ માધવસિંહ સોલંકીને શંખનાદ કરી શ્રદ્ધાંજલિ આપી
- માધવસિંહ સોલંકી જેવા રાજનેતા ગુજરાતને મળવા મુશ્કેલ છે : સેવંતીભાઈ સોલંકી
પાટણ : ગુજરાતમા ચાર ટર્મ સુધી મુખ્યપ્રધાન પદ શોભાવનારા અને મધ્યાન ભોજન યોજના જેવી સૌથી મહત્વાકાંક્ષી યોજના અમલમાં મૂકીને કરોડો બાળકોને ભોજનની સાથે શિક્ષણ માટે પ્રેરણા જગાડનારા એવા કોંગ્રેસના પીઢ નેતા અને ગુજરાતના પ્રખર રાજકારણી માધવસિંહ સોલંકીનું 94 વર્ષની વયે નિધન થતા સમગ્ર ગુજરાતની જનતા દુઃખ અને આઘાતની લાગણી અનુભવી રહી છે. ત્યારે માધવસિંહ સોલંકી સાથે વર્ષો સુધી ઘર જેવો નાતો ધરાવતા પાટણના પીઢ ગાંધીવાદી કાર્યકર સેવંતીલાલ કલાભાઈ સોલંકીએ માધવસિંહના નિધનથી શોકની લાગણી વ્યક્ત કરી છે.
શંખનાદ કરીને અનોખી રીતે શ્રદ્ધાંજલિ વ્યકત કરી
આંખોમાં આંસુ સાથે ગળગળા થઈને 92 વર્ષના સેવંતીભાઈ સોલંકીએ 94 વર્ષે મૃત્યુ પામેલા માધવસિંહ સોલંકીને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવા આ ઉંમરે પણ શંખનાદ કરીને અનોખી રીતે શ્રદ્ધાંજલિ વ્યકત કરી હતી.
સેવંતીભાઇએ જણાવ્યું કે, ગુજરાતના ઇતિહાસમાં માધવસિંહ સોલંકી જેવા સામાન્ય માણસના ગણાતા રાજનેતા મળવા મુશ્કેલ છે. ગુજરાતમાં ચાર ચાર વખત મુખ્યપ્રધાન તરીકે ગુજરાતનું સુકાન સંભાળીને માધવસિંહે છેવાડાના માનવીની કાયમ ચિંતા કરીને સમાજના ગરીબ, પછાત, શોષિત અને છેવાડાના ખોરડે રહેતા માનવીના વિકાસ માટે સતત કાર્ય કર્યું હતું.
મહાન રાજનીતિજ્ઞની સમગ્ર ગુજરાતને કાયમ ખોટ સાલશે: સેવંતીભાઈ સોલંકી
સેવંતીભાઈએ જણાવ્યું હતું કે, શુક્રવારે સાંજે માધવસિંહ સોલંકીનો મારા પર ફોન આવ્યો હતો અને અમારા એક પરિચિત ડૉક્ટરને યાદ કરીને તેમના સાથે વાત કરવા જણાવતા ડૉક્ટર સાથે તેમની વાતચીત થઈ જતા વળતો ફોન કરીને માધવસિહે મને આભારની લાગણી વ્યક્ત કરી હતી. આ સાથે તેમની તબિયત સારી હોવાનું પણ તેમને જણાવ્યું હતું, પરંતુ કમનસીબે બીજા દિવસે જ તેમનુ અવસાન થયાના સમાચાર જાણવા મળતા ખૂબ જ દુઃખની લાગણી અનુભવું છું. માધવસિંહ સોલંકીને શ્રદ્ધાસુમન વ્યક્ત કરતા સેવંતીભાઇએ જણાવ્યું હતું કે, મહાન રાજનીતિજ્ઞની સમગ્ર ગુજરાત અને ગુજરાતની ગરીબ પ્રજાને કાયમી ખોટ સાલશે.