2014માં જંગી સરસાઈથી ભાજપનો દબદબો રહ્યો. મોદીને વડાપ્રધાન બનાવવાના ઉત્સાહનો પડઘો પાટણમાં પડ્યો હતો અને ભાજપના ઉમેદવાર લીલાધર વાઘેલા જંગી સરસાઈથી જીત્યા હતા. પાટણ બેઠકમાં વિધાનસભાની 4 બેઠક આવે છે. ભાજપ માટે મુશ્કેલ ગણાતી આ બેઠક પર કોંગી નેતાઓના અહમનો ટકરાવ કોંગ્રેસ માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. જેને લીધે એકતરફી બનેલો જંગ રસપ્રદ બનશે.
ઠાકોર સમાજનું પ્રભુત્વ ધરાવતા પાટણ જિલ્લામાં પાણીની સમસ્યા કાયમી રહી છે. ધરોઈ-નર્મદાથી પીવાનું પાણી મળતું હોવા છતાં કેટલાક અંશે સિંચાઈ માટે પાણી ન મળતાં લોકોમાં આક્રોશ છે. પાટણ બેઠકમાં સમાવિષ્ઠ વડગામ અને કાંકરેજમાં પણ પાણીની ગંભીર સમસ્યા છે. પાટણમાં માત્ર પશુપાલન અને ખેતી જ રોજગારીના સૌથી મોટાં બે સ્ત્રોત રહ્યાં છે.
લીલાધાર વાઘેલા ભાજપના જૂના જોગી હોવા છતાં કામની નિષ્ક્રિયતા અને બિનજરૂરી વિવાદોને કારણે ચર્ચાસ્પદ બન્યા છે. પોતાના મતવિસ્તારને કોઈ નવી ઈન્ડસ્ટ્રી કે નવી રેલવે અપાવી શક્યા નથી. જે રેલવે સેવા હતી એ પણ છેલ્લા દોઢ વર્ષથી બંધ છે. પાટણમાં કોઈપણ ચૂંટણી હોય ઠાકોર જ ચૂંટણી જીતતા આવ્યાં છે.
નવા સીમાંકન બાદ ઠાકોર સમાજનું પ્રભુત્વ વધ્યું હોવાથી બંને પક્ષે ઠાકોર ઉમેદવારની પસંદગી કરી છે. આ વખતે ભાજપે ખેરાલુ વિધાનસભા બેઠકના ધારાસભ્ય ભરતસિંહ ડાભીને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે કોંગ્રેસે જગદીશ ઠાકોરને ચૂંટણી જંગ લડવા નોતર્યા છે. એક તરફ ભાજપના ભરત સામે પોતાના સમાજમાં જ વિરોધનો વંટોળ છે, જ્યાં જગદીશ ઠાકોર સામે ગત ચૂંટણીની જંગી લીડ તોડવાનો સૌથી મોટો પડકાર છે. આમ, તો આ બેઠક કોંગ્રેસ માટે આસાન છે, પરંતુ અલ્પેશ ઠાકોરનું કોંગ્રેસમાંથી રાજીનામું કોંગ્રેસ માટે ખતરારૂપ સાબિત થઈ શકે છે.