પાટણ શહેરના સલવિવાડા વિસ્તારમાં આવેલ લીંબચમતાની પોળમાં લીંબચ માતાનું પ્રાચીન મંદિર આવેલું છે. જ્યાં મંદિર ટ્રસ્ટ દ્વારા નવરાત્રી મહોત્સવનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રીના સાત દિવસ અહીં પરંપરા મુજબ સ્થાનિકો ગરબે ઘૂમી માતાજીની આરાધના કરે છે. નવરાત્રીની સાતમે મંદિર ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. ખેલૈયાઓ વિવિધ ટ્રેડિશનલ પોશાકમાં સજ્જ થઈ માતાજીના ગરબે ઘૂમી આરાધના કરી હતી અને આઠમના દિવસે વહેલી સવારે લીંબચમાતાની નવખંડની પલ્લી ભરવામાં આવી હતી.
લીંબચમતાના મંદિર પરિસરમાં વર્ષોથી માતાજીની પલ્લી ભરવામાં આવે છે. આ પલ્લીના દર્શન કરવા માટે લીંબાચીયા જ્ઞાતી સમાજ ઉપરાંત અન્ય સમાજના લોકો બહાર ગામથી પણ આવે છે. આ વર્ષે પણ મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી યજ્ઞ અને પલ્લીના દર્શન કર્યા હતા.